હવાનો વાંક નથી – શોભિત દેસાઈ

.

હવાનો વાંક નથી કૈં, પ્રહાર ના કરતા !

અમસ્તો એમાં તમે ગોળીબાર ના કરતા !

 .

ઊડી રહ્યાં છે વિહગ એક નવો દિવસ લઈને,

જૂના જખમથી પ્રદૂષિત સવાર ના કરતા !

 .

રહેમદિલી એ ધરે છે બહુ જ ઓછાને,

હો આપવાનું તો સહેજે વિચાર ના કરતા !

 .

જમાવીને જ અમુક વાતો માંડવાની હોય,

દખલ નકામી કરી ટૂંક સાર ના કરતા !

 .

સરળ સ્વભાવ સફળ જિંદગીની ચાવી છે,

બનીને મીંઢા વધુ માથે ભાર ના કરતા !

 .

ઝીણું વણ્યું છે બધું એણે લાયકાત મુજબ,

ઉમેરી મરજી જીવન તાર તાર ના કરતા !

 .

ઢબૂરી દઈને બધાં અસ્ત્ર સાચી જગ્યાએ;

પછીથી મૌન તમે ધારદાર ના કરતા !

 .

( શોભિત દેસાઈ )

2 thoughts on “હવાનો વાંક નથી – શોભિત દેસાઈ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.