સંબંધોની વારતા ! – કાજલ ઓઝા વૈદ્ય Jun30 મરતા – જીવતા ઊઠતા – પડતા દરેક હથોડા પાસે જાણે બચવા માટે કરગરતા… સંબંધોની વારતા ! . વારતા રે વારતા ભાભા ઢોર ચારતા એક હતો છોકરો ન જાણે કોઈ એનું નામ ન ગામ કોઈ, ન ઠામ… . દૂરદૂરથી આવતો- એક ગુલાબનું ફૂલ આપી છોકરીને સમજાવતો ! ને, છોકરી કાયમ સમજી જ જતી, કે સમજવાનો પ્રયત્ન તો કરતી, કમસે કમ ! . એક દિવસ રિસાણી, સમજણના બોજે ભીંસાણે…. શ્વાસે શ્વાસે બોજ લઈને, દોષનો ટોપલો રોજ લઈને, દોડી આગળ…. આગળ… આગળ ને આગળ. . છોકરી ગુલાબનું શોધે ફૂલ ! સપનાંઓના ડબ્બા ગુલ ! હાથ જોડી, ઘૂંટણ તાણી માગ્યા કરે એ રહેમ…રહેમ… પાછળ બધું હેમખેમ જેમ હતું એમનું એમ તૂટી પડ્યો સઘળો વહેમ. . પણ, છોકરો જેનું નામ- અજબ એનું કામ, ન ઠામ કોઈ, ન ગામ… વાપરી જાણે બધાં પ્યાદાં દંડ-ભેદ, સામ ને દામ. . ઊઠે હથોડા – પડે હથોડા વાગે ચાબૂક ઊછળે ઘોડા હાથી- ઊંટ – દિવાન ને રાજા…. જીતતા ને હારતા, અંદરોઅંદર મારતા. . જાતે બિછાવેલી બાજી- જાત સામે હારતા. એક બીજાની સામે લડતી સોગઠીઓ ને વારતા- વારતા રે વારતા. . જીવતા – મરતા મરતા – જીવતા ઊઠતા- પડતા દરેક હથોડા સાથે જાણે બચવા માટે કરગરતા… સંબંધોની વારતા ! . ( કાજલ ઓઝા વૈદ્ય )
Aabhaar .