શાંત સરવરમાં – સુરેશ દલાલ

 શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી,

મોરપિચ્છ જેવી હવા રાધાનાં ઝાંઝર પ્હેરી ઝૂલે જી.

 .

પ્રભુજીનો આ પગરવ સુણી

કાન સચેતન થઈ ગયા,

એક પલકની ઝલક-ઝંખના

ધ્યાનમાં દરશન થઈ ગયાં.

 .

આકાશમાં એક કબીર-વૃક્ષ છે : ઊભું ઊર્ધ્વમૂલે જી,

શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી.

 .

હું જાણું ને કૈં ન જાણું

એવી અવસ્થા માણું છું,

જળની ઝીણી જ્યોતને ઝીલું

એવું હું તરભાણું છું.

 .

નરસિંહ, તુકા ને રૂમી-મીરાંના ઘૂમું છું વર્તુળે જી,

શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી.

 .

( સુરેશ દલાલ )

 

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.