ચાંદરણા (૧૩) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ, દર્ભાસને બેસવા કરતાં પાથરેલા રૂમાલ પર બેસવાનું પસંદ કરે છે !

 .

એ પ્રેમ જ છે, જે બે ખેતરો વચ્ચેની વાડને તોડી પાડે છે !

 .

જે હાથ મેળવે છે તે સોનાની વીંટી પણ મેળવે છે !

 .

પ્રેમવિહોણું જીવન એ ઋતુઓ વગરના આકાશ જેવું છે.

 .

વિરહની દૂરતામાં કોઈ માઈલ સ્ટોન નથી હોતા.

 .

વિરહમાં દૂરતા છે, પણ તે માપવાની કોઈ મેઝરટેપ નથી.

 .

‘વિરહ’એ વર્ષામાં નજીક આવતું, ‘દૂરનું આકાશ’ છે.

 .

વિરહ એ દૂર દેખાતી જ્યોતિ છે, ભયસૂચક દીવાદાંડી નથી.

 .

માણસને માણસની, સહરા જેવી તરસ લાગે તે વિરહ.

 .

વિરહમાં ‘વિભક્તિ’ પણ ‘સંધિ’ બની રહે છે !

 .

પ્રેમ પ્રગટ થવા પહેલા સાત વાર સંતાય છે !

 .

પ્રેમ ભીંતો બાંધે છે, અને બારણું પણ રાખે છે !

 .

પ્રેમ મરતો નથી એટલે ‘ઈતિહાસ’ પણ બનતો નથી !

 .

તમારે ફના થવું હોય તો કોઈપણ કહેવાતા આદર્શને ‘વ્યસન’ બનાવો !

 .

પ્રેમ એકચિત્ર હોય છે, પછી તેનું આલ્બમ રચાવા માંડે છે.

 .

પ્રેમીની સ્મૃતિમાં એક આર્ટ ગેલેરી હોય છે !

 .

પ્રેમ : મોસમનાં વરસતાં વાદળાં સરોવરમાં સ્થાયી થાય છે.

 .

પ્રેમ આશય નથી એટલે છુપાતો નથી.

 .

એકલા પડવાના ભયથી ‘સાથી’ શોધશો તો ‘રાહદારી’ જ મળશે !

 .

ધરા પર ચાલનારો પ્રેમ, આકાશનું પક્ષી પણ હોય છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

4 replies on “ચાંદરણા (૧૩) – રતિલાલ ‘અનિલ’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.