લઘુકાવ્યો – સુરેશ દલાલ Nov12 (૧) મારી બારીના આંધળા કાચ પર રાતે કોનો પડછાયો આવ-જા કરે છે ? . (૨) કાગડાને ભલે મોરના પીંછા પહેરાવો પણ એ કેકારવ નહીં કરી શકે. . (૩) એકલી એકલી મીણબત્તી બળતી રહી… અજવાળું પાથર્યાનો આનંદ લૂંટવાને બદલે બળતરાની વ્યથા ઘૂંટતી રહી… . (૩) કોઈ દારૂડિયાએ નશામાં કહેલી રમૂજ જેવી લાગ્યા કરે છે જિંદગી. એના મૂળ તો ક્યાંક કોઈક કરુણ કથા-વ્યથામાં હોવા જોઈએ… . (૪) પ્રવાસેથી પાછો ફરેલો હું એનો એ હોવા છતાં કૈંક જુદો હોઉં છું. જળમાં ડૂબકી માર્યા પછી વિસ્મય ધોવાઈ નથી જતો પણ કોઈક નવી છાલકનો ઉઘાડ થાય છે. . (૫) મારા શબ્દ પરથી મૌનની ત્વચા ઉતરડી શકાતી નથી . (૬) આખી રાત વરસતો વરસાદ હતો કે કોઈકનો અશ્રુપાત ? . (૭) આપણા જીવનના વનમાં પશુઓ ત્રાડ પાડે છે અને પંખીઓ છૂપ છે. . (૮) પથ્થરોની વચ્ચે રહીને રડવાનો કશો જ અર્થ નથી. વહેતાં ઝરણાંને માટે આંસુ સારશું તો એનું કલનાદમાં રૂપાંતર થઈ જશે. . (૯) એક વાર પાનખરની સાવ સુક્કી ડાળીને મેં ચૂમી અને એના પર ફૂલ પ્રકટ્યું ત્યારે મને પોતાને થયું કે મારામાં પણ એક વસંત લપાઈ છે. . (૧૦) તારે કંઠથી મારું નામ સરે છે ત્યારે જેટલું મધુર લાગે છે એટલું ક્યારેય લાગતું નથી. . ( સુરેશ દલાલ )