લઘુકાવ્યો – પન્ના નાયક

(૧)

ઘરઆંગણે

ન ઓળંગાતા

ઠરીને બરફ થઈ ગયેલા

સ્નોના ઢગલે ઢગલા.

 .

ક્યારે સૂરજ ઊગશે ?

ક્યારે ?

 .

(૨)

ચાલ્યા કરે છે હજીય

તારી ને મારી

શોધ

કશુંક રચવા.

 .

એ રચાઈ જશે

એટલે પતંગિયું ઊડી જતાં

નમેલું ફૂલ સ્વસ્થ થાય એમ

નહીં રહે કોઈ અજંપ

નહીં રહે કોઈ ખેવના.

 .

વિચારું છું-

પછી આપણું શું થશે ?

 .

(૩)

તું અહીં નથી

ને

વરસું વરસું થતાં વાદળાંનો ભાર

મારે જીરવ્યા કરવાનો

ભીનો ભીનો….

 .

(૪)

ઢળતી સાંજે

મિત્રની વૃદ્ધ માને મળવા જાઉં છું

ત્યારે

આંખ સામે તરવરતું હોય છે

નવેમ્બરની સવારના તડકામાં જોયેલું

ખરું ખરું થઈ રહેલું એક પાન…

 .

(૫)

દીવો ઓલવ !

ચાલ,

એકમેકને જીવી લઈએ

પથારી પર

નૃત્ય કરતી

ચૈત્રની ચાંદનીના સાન્નિધ્યમાં…

 .

( પન્ના નાયક )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.