લઘુકાવ્યો – કરસનદાસ લુહાર May26 (૧) રણ ફેલાતું ફેલાતું ફળિયા સુધી આવી ગયું ને તું હજી તુલસી ક્યારો સીંચે છે ?! . (૨) ચરોતર, હું તારી છાતી પર ઊગેલો તમાકુનો કોઈ છોડ તો નથીને ?! . (૩) આમ તો ખુલ્લા હશે ને આમ મીંચાઈ જશે, ચક્ષુ એનાં એ હશે ને સ્વપ્ન બદલાઈ જશે ! . (૪) આભ ઊંચી જૂની મહલ હવેલીમાં અમાસ અને પૂનમ સાથે જ રહે છે ! . (૫) અમાસની ઉદર-ત્વચાનો ભીનોભીનો ઝળહળાટ મેં આકંઠ પીધો છે ! . (૬) પૂનમ અને અમાસ ક્યારેક સાથે ફરવા નીકળે છે ને રસ્તો શ્વેત-શ્યામ વસ્ત્રો પહેરી લે છે ! . (૭) ફુલ્લ સ્પિડથી મોટરસાયકલ ચલાવી રહ્યો છે અંધકાર અને એની પાછળ બેસીને પૂનમ ફરવા નીકળીછે ! . (૮) વતનના ગામમાં વેચી નાખેલું મારું મકાન એક રાત્રે સ્વપ્નમાં આવ્યું. મેં પૂછ્યું ‘કેમ છે ?’ તો કહે : ‘એ તો ખબર નથી, પણ આપણી પાછળનું પેલું માથાભારે ખંડેર હવે મહેલ થઈ ગયું છે !’ . ( કરસનદાસ લુહાર )