સત્યમેવ જયતે! નરેન્દ્ર મોદીના સત્યનો છે આ ભવ્ય વિજય!

સત્યમેવ જયતે! ભારત સરકારનું અધિકૃત સુત્ર ખરા અર્થમાં હવે સાર્થક થયું. આખરે સત્યનો વિજય થયો ખરો! સત્યનો  હંમેશા વિલંબથી વિજય થતો હોય છે! સત્યનો વિજય થતાં પહેલાં સત્યની આકરી અગ્નિ પરીક્ષા થતી હોય છે. સત્યના પંથે આગળ વધો એટલે અનેક વાવાઝોડા, વંટોળનો સામનો તો કરવો જ પડવાનો!  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં કહી શકાય કે સત્યનો વિજય થતાં બાર વર્ષ ઉપરનો સમય થઈ ગયો! પરંતુ સત્યનો આટલો ભવ્ય વિજય થશે એવું તો નરેન્દ્ર મોદીએ પણ નહીં વિચાર્યું હશે! એટલી આશા રાખીએ કે નરેન્દ્ર મોદી જે ઉચ્ચારે તે સત્ય જ ઉચ્ચારે! સત્ય જ વિચારે, સત્યનું જ આચરણ કરે. સત્યનાં પંથે જ આગળ વધે ભલે ગમે તેવી આકરી કસોટી કેમ ન થાય? સત્યનો જ અમલ કરે તો સત્ય તેમની સાથે જ હશે જે સત્યનો સાથ છોડતા નથી તેમની ઉપર ઉપરવાળાની અનરાધાર કૃપા વરસતી જ રહે છે!

હવે શ્રી નરેન્દ્ર મોદીનાં વકતૃત્વકલાની, વાણીની, વ્યવહારની ખૂબીઓનું પરિણામ જુઓ, એમની કાર્ય કરવાની પદ્ધતિમાં, વ્યક્તિત્વમાં એવું કંઇક જાદુઈ તત્વ છે, જે સામેની વ્યક્તિને સંમોહિત કરી દે છે! એકસમયના પ્રખર વિરોધીઓ આજે એમના ગુણગાન ગાતા થાકતા નથી. ગુજરાતના ૨૦૦૨નાં રમખાણો પછી ભારતના લગભગ બધાં જ મીડિયા ખાસ કરીને અંગ્રેજી/હિન્દી ન્યુઝ ચેનલો, વર્તમાનપત્રો, મેગેજીનો, બધાં જ નાના મોટા વિરોધી રાજકીય પક્ષો, વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો, ગુજરાત બહારના મોટાભાગના કોર્પોરેટ્સ, ઉદ્યોગપતિઓ બધીજ અદાલતો, ન્યાયતંત્ર, બધાં જ એન જી ઓ (નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન), કહેવાતા ગાંધીવાદીઓ, કહેવાતા બિનસાંપ્રદાયિકો, દલિતો, મુસ્લીમો, આદિવાસીઓ  મોદીની વિરુદ્ધમાં હતાં, તેમના પર સંપૂર્ણ ખોટા, મનઘડંત આરોપો મુકવામાં આવ્યાં, અત્યંત કડક શબ્દોમાં આલોચના થઈ, મોદી સંપૂર્ણ મૌન રહ્યાં. મોદીને નેતા તરીકે જેટલી નફરત, ધિક્કાર મળ્યા હશે એટલા ભાગ્યેજ વિશ્વના કોઈ નેતાને મળ્યા હશે. બનાવટી એન્કાઉન્ટરનાં નામે કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત હેરાનગતિ કરવામાં આવી, ગુજરાત સરકાર સામે અનેક કોર્ટ કેસો થયાં, અનેક પોલીસ અધિકારીઓ જેલમાં ગયાં. પોતાના પક્ષમાં પણ હરીફ અને સિનિયર નેતાઓનો આંતરિક વિરોધનો સામનો કરતાં ગયાં. સહુની આલોચના, ધિક્કાર ધૃણા, નફરતને મોદી મૂંગે મોઢે સહેતા ગયાં, આ બાબતે સંપૂર્ણ મૌન રહ્યાં ક્યારેય કોઈ દિવસ બચાવનો એક શબ્દ પણ બોલ્યા નહીં. પરંતુ ચુપચાપ પોતાના વિરોધીઓને બહુ કુનેહપૂર્વક ઠેકાણે પાડતાં ગયાં. પક્ષનાં આંતરિક વિરોધને પણ શાંત કરી દીધો,  યુવાનોને શરમાવે એવી એમની કાર્યક્ષમતા સહુને પ્રભાવિત કરતી ગઈ. પોતાની એક બ્રાન્ડ ઈમેજ ઉભી કરવામાં  વિવિધ પ્રચારતંત્રનો એટલો કુશળતાથી ઉપયોગ કર્યો કે દેશવિદેશમાં પણ મોદીની ચર્ચા થતી ગઈ. ગુજરાતના વિકાસ મોડેલનું અને પોતાનું એવું માર્કેટિંગ કર્યું કે હવે દેશને અનેક સમસ્યાઓથી ઉગારવો હોય તો મોદી સિવાય કોઈ ઉદ્ધાર કરી શકે એમ નથી એવો દેશને ખૂણેખૂણે સંદેશો પહોંચાડ્યો. ગુજરાતમાં વિકાસના એવાં કામો કરી દેખાડ્યા કે જેથી દેશવિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો. દેશમાં સહુ પ્રથમવાર ફક્ત વાતો કરી સહુના વિકાસની, ગરીબોના ઉદ્ધારની, દેશહિતની, દેશપ્રેમની, પ્રજાને જગાડવાની, રાષ્ટ્રીય જાગૃતિની સહુને સાથે લઈને ચાલવાની. આ માટે પ્રજા પાસે માંગ્યો  સહુનો સાથ, સહકાર સહયોગ.  ગુજરાતમાં ભલે ભ્રષ્ટાચાર ઓછો થયો ન હોય પણ અંકુશમાં રાખવામાં સફળ રહ્યાં. સરકારી ઓફિસોમાં આજે પણ પણ ભ્રષ્ટાચાર વિના કામ થતું નથી એ હકીકત હોવાં છતાં કર્મચારીઓની કામચોરીને મર્યાદિત કરી શક્યા. કર્મચારીઓને કામ કરતાં કરી દીધાં, એ એક હકીકત છે કે લોકો સરકારી ઓફિસોનો રોજીન્દા કામકાજનાં ભ્રષ્ટાચારને કદાચ અનિવાર્ય ગણી લીધો છે, સ્વીકારી લીધો છે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા, રાજનેતાઓ દ્વારા થતા અમર્યાદિત ભ્રષ્ટાચારને લોકો સહી નથી શકતા એપણ વાસ્તવિકતા છે. ગરીબથી માંડી ધનવાન સુધી, આદિવાસીથી લઈ મુસ્લીમો, અભણથી લઈ બુદ્ધિશાળી લોકોના દીલ જીતી લીધા. ગઈકાલના વિરોધીઓ, દુશ્મનો મોદીની આજે સહુ આરતી ઉતારી રહ્યાં છે. આઝાદીના સાંઠ વર્ષો પછી મોદીના નેતૃત્વમાં એક વિરોધ પક્ષને શાસન કરવા સંપૂર્ણ બહુમતી મળી છે, એમ કહી શકાય કે દલિતો, મુસ્લીમોએ પણ બીજેપીને મત આપી મોદીને લોકસભામાં વડાપ્રધાન પડે આરૂઢ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. ભારતના લગભગ બધાંજ પ્રિન્ટ મીડિયા, લગભગ બધીજ ટીવી ન્યુઝ ચેનલો, મોટા ભાગના ઉદ્યોગપતિઓએ, પહેલીવાર મતદાન કરતાં નવયુવાન મતદારોએ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં વિજયી બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. કડક અને દ્રઢ મનોબળવાળા શાસક તરીકેની એમની છાપે લોકોની પ્રશંસા મેળવી. લોકોને મોદીનો અંતરનો અવાજ, કેટલીક આધ્યાત્મિક વાતો, તથા  હૃદયસ્પર્શીવાણી, મૌલિક કાર્યશૈલી લોકોને સ્પર્શી ગયાં. આ લોકસભાની ચૂંટણીમાં શ્રી મોદીના વ્યક્તિત્વના અત્યાર સુધી ઉજાગર ન થયેલા એવાં પાસાં જોવાં મળ્યા. મોદી આજે સહુથી વધુ લોકપ્રિય, લોકલાડીલા, લોકમાન્ય નેતા બની ગયાં. આઝાદીનાં સડસઠ વર્ષો પછી, સરદાર વલ્લભભાઈ પટેલના ગયાં પછી  દેશને આજે જે પ્રકારના નેતૃત્વની જરૂર હતી તે પ્રકારના નેતા અને શાસક મળ્યા છે. લોકોની સમસ્યાઓને સમજવાની અને તેને ઉકેલવાની અનોખી આવડત શ્રી નરેન્દ્ર મોદી પાસે છે. શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લોકસભાની ચૂંટણીમાં બી જે પી ને સ્પષ્ટ બહુમતી મળવી અને વડાપ્રધાનપદે શ્રી નરેન્દ્ર મોદીનું આરૂઢ થવું એ ખરેખર અભૂતપૂર્વ કહી શકાય એવી વિશ્વની સહુ પ્રથમ બુલેટ વિનાની, બેલેટ પેપરથી થયેલી શાંત ક્રાંતિ છે. ભારતમાં હવે સાચી સાંપ્રદાયિક, સદભાવ યુક્ત, સ્થાયી શાંતિની સ્થાપના સાથે સ્વચ્છ સરકારી વહીવટ અને સુશાસન શક્ય બને એવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય!

મોદી જ આ કરી શકે!

શ્રી નરેન્દ્ર મોદીની બીજી એક આવડત પર હજુ સુધી કોઈનું બહુ ધ્યાન નથી ગયું કે એનાં પર કોઈ ખાસ ચર્ચા નથી થઈ તે આ વખતની  લોકસભાની ચુંટણીને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે, જાણતા કે અજાણતા તેમણે એક જનઆંદોલનમાં પરિવર્તિત કરી દીધી. જે અન્ના હજારે કે અરવિંદ કેજરીવાલ કે બાબા રામદેવ કરવામાં નિષ્ફળ ગયાં તે વાતને ખુબ જ ચાલાકીથી કે ખૂબીપૂર્વક કોમવાદ, કરપ્સન, વંશવાદ, પરિવારવાદ, દંભી બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધનું એક રચનાત્મક જનઆંદોલન બનાવી લોકોના દિલ જીતી લઈ વડાપ્રધાનપદે આરૂઢ થવાનું શક્ય બનાવ્યું! જે કોઈ ન કરી શકે, અશક્યને શક્ય બનાવે તેનું નામ મોદી! તારણ કાઢવું હોય તો કહી શકાય કે નકારાત્મક  જનઆંદોલન કે રાજકારણ ક્યારેય લાંબો સમાય સુધી લોકોનું દિલ જીતી નથી શકતા. નકારાત્મક જનઆંદોલનને હિંસક બનતા વાર નથી લાગતી અને હિંસક બની ગયેલા આંદોલનથી ઘણીવાર દેશ અંધાધુંધી, અરાજકતા અને અવ્યવસ્થા તરફ ધકેલાઈ જાય છે જે દેશની સ્થિરતા અને સલામતીને જોખમમાં મૂકી શકે છે એમ અત્યાર સુધીનો વિશ્વ ઇતિહાસ કહે છે. આવા આંદોલનો થકી લોકોને થતી હાલાકી, હાડમારી, અને હેરાનગતિને કારણે જ લોકોનો સાથ, સહકાર, સહયોગ લાંબા સમય સુધી મળી નથી શકતાં. હવે જે પક્ષ, દેશપ્રેમ, દેશભક્તિ, દેશહિતને ધ્યાનમાં રાખી વાત કરશે, રાષ્ટ્રીય ચેતના જગાવવાનું કામ કરશે તેજ પક્ષ આ દેશ પર રાજ કરી શકશે એ આ ચૂંટણીમાં સિદ્ધ થઈ ચૂક્યું છે. હવે મુસ્લિમ વોટબેન્કની રાજનીતિ પણ સંપૂર્ણ બંધ થવી જોઈએ. એ હકીકત છે કે અત્યાર સુધી વિવિધ પક્ષો દ્વારા મુસ્લિમ વોટબેન્કને ધ્યાનમાં રાખી કરવામાં આવેલી રાજનીતિનાં કારણે દેશહિતના થવા જોઈતા કાર્ય થઈ શક્યા નથી. આ નીતિને કારણે આપણા દેશને આતંકવાદને પ્રોત્સાહન મળ્યું છે. જેનો  આકરો સામનો આપણે આજે પણ કરી  રહ્યાં  છે. દેશની પ્રગતિ જાણે થંભી ગઈ એવું લાગે છે. દેશને જો વિકાસના માર્ગે આગળ લઈ જવો હશે તો કડક આકરા નિર્ણયો લેવા વિના છુટકો નથી એ નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે અને એ પ્રમાણે જ નવી સરકાર કામ કરશે એવો એમણે નિર્દેશ તો આપી જ દીધો છે.       બોલો, નરેન્દ્ર મોદી માટે આ કેટલું બધું સાચું છે!

જો તમારા નીતિ, નિયમ, નિષ્ઠા, અને નિયત સારા હોય, પ્રમાણિકતાના પંથે આગળ વધી સદભાવ સાથે સદ્કાર્ય કરવાની શુભ ભાવના હોય, આદર્શો અને સિદ્ધાંતો સાથે જેટલું શક્ય હોય ત્યાં સુધી  સમાધાન ન કરો, જો ભગવાનને તમારા માર્ગદર્શક, પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત બનાવી દો તો જગત સમસ્તની તમામ રચનાત્મક, સર્જનાત્મક શક્તિઓનો તમને સાથ, સહકાર, સહયોગ હરહમેશ પ્રાપ્ત થતો રહે છે! તમે વિપરીત પરિસ્થિતિમાં, ગમે તેટલા પ્રબળ ઝંઝાવાતનો, આકરા વિરોધોનો પણ આસાની મુકાબલો કરી આગળ વધી શકો છો! ભગવાન જ તમારો રક્ષણહાર અને તારણહાર બની તમારી રક્ષા કરતો રહે છે! તમે આકરી અગ્નિપરીક્ષામાં પાર ઉતરી સફળતાના પંથે આગળ વધતાં રહો છો. એ નરેન્દ્ર મોદીના સંદર્ભમાં કેટલું બધું સાચું છે!

અંતમાં…

કોંગ્રસના, કોમ્યુનિસ્ટોનાં, કોમવાદના, કરપ્શનના, કરતૂતોનાં કાદવકીચડ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં મૂળ આરએસએસના કર્મથ, કાર્યકર્તા એવાં નરેન્દ્ર મોદીની કમાલની કાર્યશૈલી, કાર્યકુશળતા, કાર્યક્ષમતા, કર્તવ્યનિષ્ઠા, કર્તવ્ય પરાયણતા, કુનેહ, કલા, કૌશલ્ય, કારીગરી, ક્રિએટીવીટીએ, કોન્ફીડન્સે અને કરિશ્માએ બી જે પી નું કમળ પૂર્ણ સ્વરૂપે ખીલી ઉઠયું છે તે બદલ મોદીજીને કોન્ગ્રેચ્યુલેશન!

આપણી લોકશાહીની લાજ અત્યાર સુધી લેભાગુ, લુચ્ચા, લફંગા, લબાડ, લંપટ, લોભી, લાલચુ, લુટારા લાલુપ્રસાદ જેવા રાજકારણીઓ સઘળી લાજ શરમ નેવે મૂકી લુંટી રહ્યાં હતાં, આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે લોકશાહીનું વસ્ત્રાહરણ કરનારા આવા રાજકારણ અને રાજકારણીઓથી સહુને મુક્તિ અપાવનાર ‘કૃષ્ણ’ બને.

ભૂ,પૂ વડાપ્રધાન મનમોહનસિંહે એમની છેલ્લી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પડે આરૂઢ થશે તો દેશ માટે આપત્તિજનક હશે! આવું બોલીને લોકસભાની ચૂંટણીમાં તેઓ જે પક્ષનાં હતાં તે કોંગ્રેસ પક્ષ માટે મનમોહનસિંહ પોતેજ એક અસ્ક્યામત મટીને  સહુથી મોટી આપત્તિ બની ગયાં! કોંગ્રેસ પક્ષ ને હવે પોતાનું અસ્તિત્વ ટકી ન શકે એવી મોટી આપત્તિ ઉભી થઈ ગઈ. પોતાનું બોલેલું  બુમરેંગ થઈને પાછું એમનાં પક્ષને જ ટકરાશે એમને બિચારાને ક્યાં ખબર હતી! મનમોહનસિંહે મૌન રહીને બી જે પી ને બહુ મોટો ફાયદો કરી આપ્યો,  ખરેખર દેશસેવા કરવા મોદીને મોકો આપ્યો દેશ આજે નમો નમો કરતો થઈ ગયો!

નેતૃત્વ કરનારનાં આ ‘ન’થી શરુ થતાં નવ ગુણોની સાર્થકતા ‘નરેન્દ્ર’ નામમાં સમાયેલી છે!

કોઈ પણ નેતા હોય તેનામાં જો આ ગુણો હોય તો તે નેતા સફળ થવાની શક્યતા ઘણી વધી જાય છે. સહુ પ્રથમ તે ‘નિષ્ઠાવાન’ હોવો જોઈએ,  બીજો ગુણ તે ‘નીતિનિયમો’ને અનુસરનાર ‘નૈતિક’ ગુણો ધરાવનાર હોવો જોઈએ, ત્રીજો ગુણ તેનામાં ‘નિસ્વાર્થભાવ’ હોવો જોઈએ, ચોથો ગુણ તે દ્રઢ ‘નિર્ધારવાળો’ હોવો જોઈએ. પાંચમો  ગુણ તે ‘નિર્ભય’કે નીડર હોવો જોઈએ. છઠ્ઠો  ગુણ તે જે કંઈ કરે છે તેનું તેને અભિમાન ન હોવું જોઈએ એટલેકે તે  ‘નિરાભિમાની’ પણ હોવો જોઈએ. સાતમો ગુણ તે નિષ્પક્ષ  હોવો જોઈએ, આઠમો ગુણ તે જે કંઈ પણ કરે છે તે ‘નિષ્કામ’ ભાવથી એટલે કે ‘ફળ’ની આશા રાખ્યા વિના  કરતો હોવો જોઈએ. આ બધાં ઉપરાંત નવમો ગુણ તે જ કંઈ પણ કરે તે ‘નતમસ્તકે’ કરતો રહે તો તેનું ‘નેતૃત્વ’ સફળ અને સાર્થક બની શકે આજ નેતા લોકપ્રિય અને લોકલાડીલા બની લોકોના દિલમાં જગા બનાવી ‘નિરાંતે’, નિશ્ચિંત થઈ રાજ કરતો રહે છે. આ બધાં ગુણો ધરાવનાર ‘નર’માં ઇન્દ્ર જેવું સ્થાન ધરાવનાર કોઈ ‘નરેન્દ્ર’ નામધારી જ હોઈ શકે! ‘નરેન્દ્ર’ નામને સફળ અને સાર્થક બનાવવા આ ગુણો હોવાં કેટલાં મહત્વના છે?! જેવું નામ તેવા ગુણ કહેવત હકીકતમાં નરેન્દ્ર મોદીએ સાર્થક કરી બતાવી! .

( અરવિંદ પટેલ )

Share this

2 replies on “સત્યમેવ જયતે! નરેન્દ્ર મોદીના સત્યનો છે આ ભવ્ય વિજય!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.