વિદાય વેળાએ (ભાગ-૨)

તમારામાંના કેટલાકને હું ભેટ લેવામાં અભિમાની અને વધારે પડતો શરમાળ લાગ્યો છું.

મજૂરી લેવાની બાબતમાં હું માની છું ખરો, પણ ભેટ માતે નહીં.

અને જોકે, તમે મને તમારી પંક્તિમાં બેસાડી જમાડવા ઈચ્છતા છતાં, હું ડુંગરાઓમાં બોર જ વીણી લેતો,

અને જોકે, તમે મને તમારે ત્યાં આશ્રય આપવા ખુશી હતા છતાં, હું મંદિરના ઓટલા પર જ સૂઈ રહેતો.

છતાં મારા ખોરાકને મોઢામાં મીઠો બનાવનારી અને મારી ઊંઘને મીઠાં સ્વપનોથી ઘેરી દેનારી તમારી પ્રેમભરી ચિંતા જ નહોતી કે ?

આ બધા માટે મારા તમને અનેક આશીર્વાદ છે :

તમે ઘણું આપો છો, છતાં કશું આપ્યું છે એમ જાણતાયે નથી.

ખરું છે કે જે દયા આરસામાં પોતાનું મોઢું જોવા જાય છે તે શિલા બની જાય છે,

અને જે પુણ્ય સુંદર નામો ધારણ કરે છે તે શાપની જનેતા બને છે.

અને તમારામાંના કેટલાકને હું એકલપ્રિય અને મારા એકાંતમાં જ મસ્ત બનેલો લાગ્યો છું,

અને તમે બોલ્યા છો કે, “એ તો જંગલનાં ઝાડો સાથે ગોષ્ઠિઓ કરે છે, પણ માણસો સાથે નહીં.

“એ એકલો જ પર્વતના શિખરો પર બેસે છે, અને આપણા શહેર પર અધોદ્રષ્ટિ (એટલે નીચે જોનારી દ્રષ્ટિ તેમા જ નીચા-હલકા-છે એમ જોનારી દ્રષ્ટિ) નાખે છે.”

ખરું છે કે, હું પર્વતો પર ચડ્યો છું અને દૂર દૂર પ્રદેશોમાં ફર્યો છું.

બહુ ઊંચે અથવા બહુ દૂર ગયા વિના હું કેમ તમને જોઈ શકત વારું ? ( નજીકથી સ્પષ્ટ દેખાયછે એવું આપણે માનીએ છીએ, પણ નજીકના દર્શનમાં થોડો ભાગ જ દેખાય છે. સંપૂર્ણ દર્શન દૂરથી થાય છે.)

બહુ દૂર થયા વિના બહુ નિકટ કેવી રીતે થવાય ભલા ? (વિખૂટા પડ્યે પ્રેમ વધે છે અને તેથી હૃદયો વધારે નિકટ આવે છે.)

અને તમારામાંના કેટલાક, ભાષાના પ્રયોગવિના, મને બૂમ પાડતા અને કહેતા :

“પરદેશી, અલ્યા પરદેશી, હે અગમ્ય શિખરોના પ્રેમી, ગરુડો જ્યાં માળો બાંધે તેટલે ઊંચે જ તું કેમ રહે છે ?

“અપ્રાપ્યને જ કાં શોધે છે ?”

“કયાં વાવાઝોડાંઓને તું તારી જાળમાં પકડવા ધારે છે,

અને કયાં ગાંધર્વ પક્ષીઓનો (એટલે ગાંધર્વનગરનાં-કાલ્પનિક પક્ષીઓને) તું આકાશમાં શિકાર કરે છે ?

“આવ અને અમારામાંનો એક થા.”

“ઊતર અને તારી ભૂખને અમારા રોટલાથી ભાંગ અને તારી તરસને અમારા દ્રાક્ષરસથી છિપાવ.”

પોતાના હૃદયના એકાંતમાં તેઓ આમ કહેતા;

પણ તેઓનું એકાંત જો વધારે ઊંડું હોત તો તેઓ જાણી શકતા કે હું કેવળ તમારા હર્ષ અને તમારા શોકનો ઊંડો ભેદ જ શોધતો હતો,

અને આકાશમાં વિચરતા તમારા વિરાટ સ્વરૂપનો જ શિકાર કરતો હતો.

પણ શિકારી પોતેયે શિકાર જ બન્યો હતો;

કારણ કે, મારાં બાણોમાંથી ઘણાંક મારા ધનુષ્યમાંથી છૂટી મારી જ છાતીમાં પેસતાં હતાં.

અને ઊડનારો સરપતાં (પેટે ચાલતો હતો : સરપતો=સર્પની જેમ ચાલતો હતો.) પણ હતો;

કારણ, જ્યારે મારી પાંખો સૂર્યમાં ફેલાયેલી હતી, ત્યારે તેમની છાયા પૃથ્વી પર કાચબો બનતી હતી.

અને જે હું શ્રદ્ધાળુ હતો તે સંશયાત્માયે હતો;

કારણ ઘણી વાર હું મારી આંગળી મારા ઘામાં નાખી જોતો કે જેથી તમારે વિશેની મારી શ્રદ્ધા અને તમારે વિશેનું જ્ઞાન વધે.

અને એ શ્રદ્ધા અને એ જ્ઞાનથી હું કહું છું કે,-

તમારા શરીરમાં તમે વીંટળાયેલા નથી, કે નથી તમે તમારાં ઘરો અને ખેતરોમાં પુરાયેલા.

જે તમે છો તે પર્વતોથી ઊંચે રહે છે અને પવનો જોડે ભમે છે.

ગરમી માટે તડકો સેવનારી અને સલામતી માટે અંધારામાં ભોંયરાં ખણનારી વસ્તુ તે તમે નથી,

પણ એક મુક્ત વસ્તુ તમે છો,- પૃથ્વીને વ્યાપી વળનારું અને આકશમાં ગમન કરનારું એક ચૈતન્ય.

જો આ ભાષા અસ્પષ્ટ લાગતી હોય,તો તેને સ્પષ્ટ કરવા મથશો નહીં.

અસ્પષ્ટ અને ઝાંખું જ વસ્તુમાત્રનું આદિ હોય છે, પણ અંત નહીં.

અને આદિ તરીકે તમે મને યાદ રાખો એ હું વિશેષ ઈચ્છું.

જીવન, અને સજીવમાત્ર, ધૂંધ સ્થિતિમાં ઓધાન પામે છે, નિર્મળમાં નહીં.

અને કોને ખબર છે કે નિર્મળ એ લય પામતું ધૂંધ જ ન હોય ?

મને યાદ કરો ત્યારે આટલું યાદ રાખો એમ ઈચ્છું છું.

તમારી અંદર જે અત્યંત નબળું અને બાવરું જણાય છે તે જ સૌથી બળવાન અને દ્રઢનિશ્ચયી છે.

તમારાં હાડકાંને બાંધનારો અને મજબૂત કરનારો તમારો શ્વાસ જ નથી કે ?

અને તમારા નગરને બાંધનાર અને તેમાંની સર્વે રચના કરનાર તમને કોઈનેયે દેખ્યાનું યાદ ન આવતું એક સ્વપન જ નથી કે ? (જે જે રીતે નગરમાં ફેરફારો થયા, એ પ્રત્યેક કોઈની કલ્પનામાં પહેલાં ઉદ્દભવ્યો હશે જ ને ? એ જ સ્વપ્ન.)

તમારા જે શ્વાસના તરંગો તમે જોઈ શકો તો બીજું બધુંયે જોવાનું છોડી દો,

અને એ સ્વપ્નનો ગણગણાટ તમે સાંભળી શકો તો બીજા બધાયે અવાજો સાંભળવાનું બંધ કરી દો.

પણ તે તમે જોઈ શકતા નથી કે સાંભળી શકતા નથી, અને એ જ ઠીક છે.

તે જ તમારી આંખને ઢાંકનાર પડદો ઉધાડશે કે જેના હાથે તેને વણ્યો છે,

અને તે જ તમારા કાનમાંની માટી કોરી કાઢશે, જેનાં આંગળાંઓએ તેને અંદર ભરી છે.

ત્યારે તમે જોશો.

અને ત્યારે તમે સાંભળશો.

છતાં, તમે આંધળા હતા તેનો પશ્ચાતાપ નહીં કરો, અને બહેરા હતા તેનું દુ:ખ નહીં માનો.

કારણ કે, તે દિવસે સૌ વસ્તુઓનાં ગુઢ પ્રયોજનો સમજશો, અને (તેથી) જેમ પ્રકાશને તેમ જ અંધકારનેયે ધન્ય સમજશો.

આ બધું કહ્યા બાદ એમણે આજુબાજુ જોયું, અને તેમણે પોતાના વહાણના સુકાનીને વહાણને મોખરે ઊભેલો અને ઘડીમાં ફૂલેલા સઢો તરફ અને ઘડીમાં પહોંચવાના અંતર તરફ જોતો ભાળ્યો.

ત્યારે તે બોલ્યા :

ધીરજ, અતિશય ધીરજ, મારા કપ્તાને રાખી છે.

પવન ફૂંકે છે અને સઢો ચંચળ થયા છે;

સુકાન પણ ફરવા તત્પર થયું છે;

છતાં શાંતિથી મારો કપ્તાન મારા મૂગા થવાની રાહ જુએ છે.

અને મારા ખલાસીઓ જેમણે મહાસાગરનાં વૃંદગાન સાંભળ્યાં છે, તેઓએ પણ મને ધીરજથી સાંભળ્યો છે.

હવે તેમને પણ મને ધીરજથી સાંભળ્યો છે.

હવે તેમને વધારે ખોટી થવું નહીં પડે.

હું તૈયાર છું.

નદી સમુદ્રને મળી છે, અને વળી એક વાર જગજ્જનની પોતાના બાળકને છાતીએ વળગાડે છે,

સલામ, ઑરફાલીઝના લોકો.

આજનો દિવસ પૂરો થયો છે.

પોયણી જેમ પોતાના પ્રાત:કાળ માટે બિડાઈ જાય છે, તેમ સૂર્ય આપણા પર આથમી રહ્યો છે.

આપણને જે અહીં આપવામાં આવ્યું હોય તે આપણે સંભાળીશું,

અને તે પૂરતું નહીં થાય તો વળી આપણે ભેગાં થવું પડશે અને ભેગાં મળી દાતા પ્રત્યે હાથ લંબાવવો પડશે.

ભૂલશો નહીં કે ફરી હું તમારી પાસે આવવાનો છું.

થોડો સમય, અને મારી વાસના બીજા શરીર માટે માટી અને પાણી ભેગાં કરશે.

થોડો સમય, વાયુ પર એક ક્ષણભર વિશ્રાંતિ, અને એક બીજી માતા મને ધારણ કરશે.

તમને તથા તમારી વચ્ચે ગાળેલા તારુણ્ય (= સુખ )ને સલામ.

હજુ કાલે જ આપણે સ્વપ્નમાં ભેગા થયા.

મારા એકાંતમાં તમે મારી આગળ ગીતો ગાયાં, અને તમારી વાસનાઓનો મેં આકાશમાં મિનારો ચણ્યો.

પણ હવે આપણી ઊંઘ ઊડી ગઈ છે, અને આપણું સ્વપ્ન પૂરું થયું છે, અને માત્ર પ્રભાત જ રહ્યું નથી.

મધ્યાહ્ન આપણી પર આવી લાગ્યો છે, અને આપણી અર્ધજાગૃતિ પૂરો દિવસ બની છે, એટલે આપણે હવે છૂટાં પડવું જ જોઈએ.

સ્મૃતિની સંધ્યામાં જો આપણે પાછા ભેગા થશું તો વળી આપણે સાથે બેસી વાતો કરશું, અને તમે મને તમારું વધારે ગૂઢ ગીત સંભળાવશો.

અને જો બીજા સ્વપ્નમાં આપણા હાથ હેઠા થશે તો બીજો એક મિનારો આપણે આકાશમાં ચણશું.

એટલું કહીને તેમણે પોતાના ખલાસીઓને ઈશારો કર્યો, અને તરત જ તેમણે લંગર ઉપાડ્યું અને વહાણને બંધનોમાંથી છૂટું કર્યું, અને તેઓ પૂર્વ દિશામાં ચાલ્યા.

અને જાણે એક જ હૃદયનો હોય તેમ લોકોમાંથી ધ્વનિ નીકળ્યો, અને તે સંધ્યાની રજમાં ફેલાયો અને મોટા દુંદુભિનાદની જેમ સમુદ્રમાં ગયો.

માત્ર મિત્રા જ, ધુમ્મ્સમાં વહાણ અદ્રશ્ય થયું ત્યાં સુધી તે તરફ જોતી, મૂગી બેઠી હતી.

અને જ્યારે બધા લોકો વીખરાઈ ગયા ત્યારે સમુદ્રની દીવાલ પર તે એકલી જ, પોતાના હૃદયમાં તેમનું વચન યાદ કરતી ઊભી રહી :

“થોડો સમય, વાયુ પર એક ક્ષણભર વિશ્રાંતિ, અને એક બીજી માતા મને ધારણ કરશે.”

( ખલિલ જિબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *