મનમાં-માધવ રામાનુજ

પાંદડાનાં મનમાં તો એવું યે થાય છે કે
પીંછાની જેમ ખરી પડીએ
લહેરાતાં લહેરાતાં ઊતરીએ નીચે ને
ધરતીને ધીમેથી અડીએ…

કુંપળ થઈ ફૂટ્યાના મીઠા સંભારણાં
વારસામાં પાનને મળ્યાં છે,
પંખીનાં ઉડવાનું, પીંછાનું ખરવાનું
રોજ એમાં કૌતુક ભળ્યાં છે !
એ તો ક્યાં જાણે છે તૂટશેને સગપણ તો
પૂરાં થશે રે એ ઘડીએ…

એણે જોયું છે વળી પોતાની ડાળીનાં
ખરતાં રહે છે રોજ પાન !
લીલેરા રંગમાંથી એનેયે થાય છે કે
ક્યારે હું થઈશ પીળું પાન !
કિરણોના અજવાળે વૃક્ષોના રંગમંચ-
કયું રૂપ અંતરમાં જડીએ !…
પીંછાની જેમ ખરી પડીએ…
ધરતીને ધીમેથી અડીએ…

( માધવ રામાનુજ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *