નીકળી જવું સારું-દિનેશ ડોંગરે “નાદાન”

ઉદાસીના કળણમાંથી હવે નીકળી જવું સારું,
અને આ વાતાવરણમાંથી હવે નીકળી જવું સારું.

અનાવૃત્ત થૈ જવાનો પણ અનોખો હોય છે મહિમા,
બધાયે આવરણમાંથી હવે નીકળી જવું સારું.

નજરમાં ઊંઘ ને સપનાં સલામત રાખીને મિત્રો,
નિરંતર જાગરણમાંથી હવે નીકળી જવું સારું.

ન હો આદરભરી દ્રષ્ટિ કે મનમાં લાગણી જેવું,
ચલો એના સ્મરણમાંથી હવે નીકળી જવું સારું.

સતત દોહ્યા જ કરવું ક્યાં સુધી જળને નિહાળીને ?
સમયસર રણ-હરણમાંથી હવે નીકળી જવું સારું.

ફગાવીને બધી માયા ત્યજીને બંધનો “નાદાન”,
જગતના આચરણમાંથી હવે નીકળી જવું સારું.

( દિનેશ ડોંગરે “નાદાન” )

2 thoughts on “નીકળી જવું સારું-દિનેશ ડોંગરે “નાદાન”

  1. ખૂબ સરસ ગઝલ. પણ પાંચમાં શેરમાં – સતત દોહ્યા જ કરવું – કે પછી સતત દોડ્યા જ કરવું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *