પડછાયા-રાધિકા પટેલ Jul24 ૧. મેં પડછાયામાંથી એક પંખી બનાવ્યું; અને એ ઊડી ગયું આભમાં- ઊંચે ને ઊંચે…! હું ઊભો છું અહીં- ખાલીખમ વૃક્ષની જેમ. ૨. પડછાયો ચીતરી મેં એક હરણ બનાવ્યું; હું એને સ્પર્શ કરું-એ પહેલાં જ એ ભાગી ગયું…! હું દોડ્યા કરું છું- એની પાછળ-પાછળ….. આજ લગી. ૩. મારા ઘરના પછવાડે મેં એક પડછાયો વાવ્યો, સીંચી-સીંચીને મોટો કર્યો; હવે એ બની ગયો છે- ભોરિંગ વડલો…! એની વડવાયુએ પાશમાં લીધું છે- મારું આખું ઘર. ૪. મેં મારા પડછાયાને એક જાદુઈ બોટલમાં બંધ કરીને રાખી મૂકેલ છે; હું ગમે ત્યારે “આબરા-કા-ડાબરા…” બોલીને એમાંથી કાઢ્યા કરું છું- અવનવી રંગબેરંગી કવિતાઓ…! ( રાધિકા પટેલ )
Beautiful poem