દરવાજો-પારુલ કંદર્પ દેસાઈ

દરવાજો
અંદર લઈ જાય
બહાર પણ.
***
સહેજ ધક્કો મારું ને
ખૂલી જાય દરવાજો.
સહેજ ખેંચું ને
બંધ થઈ જાય દરવાજો.
ખોલબંધ કરવાની આ રમત
હું રમ્યા કરું સતત, અવિરત.
***
એક પછી એક
દરવાજા ખૂલતા જાય છે સરળતાથી
તોયે
કેમ ક્યાંય પહોંચાતું નથી ?
***
દરવાજો
કર્યો છે બંધ ચસોચસ.
કોઈ પ્રવેશી નહીં શકે હવે ?
***
દરવાજો
ખુલ્લો રાખ્યો છે
રાતદિવસ દિવસરાત
તોય કોઈ કેમ આવતું નથી ?
***

બંધ દરવાજાની
બહાર છે તે હું છું ?
કે પછી
અંદર-બહાર ક્યાંય હું નથી ?
***
દરવાજો ખુલ્લો રાખું ને
એ આવી જાય તો ?
દરવાજો બંધ રાખું ને
એ પાછો વળી જાય તો ?
***
દરવાજા વચ્ચે અટવાયેલી હું
ક્યાંથી પ્રવેશું તારા સુધી પહોંચવા ?
***
દરવાજો છે એટલે
કાં તો રહેવાનું છે અંદર
અથવા તો
જવાનું છે બહાર.
જો
દરવાજો જ ન હોય તો ?
***
દરવાજો ખૂલી જાય તો ?
ધોધમાર અજવાળું ભીંજવે
દરવાજો બંધ થઈ જાય તો
ભીતર ઝળાંહળાં.

( પારુલ કંદર્પ દેસાઈ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.