તું હૃદયે વસનારી-સુન્દરમ

તું હૃદયે વસનારી તું હૃદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી..તું હૃદયે…

તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,
તું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી..તું હૃદયે…

તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો દ્યુતિ અરુણા,
તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા..તું હૃદયે…

તું જીવનની જન્મ-ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા..તું હૃદયે…

તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,
તું જગમાં-જગપાર અનંતે અમ સંગે ઘૂમનારી..તું હૃદયે…

તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત સત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ..તું હૃદયે…

તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હૃદયે અમ વાસ હો, હે હરિની રસધારા..તું હૃદયે…

( સુન્દરમ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.