અનાહતા-ઉર્વશી પંડ્યા

અંધારી અજવાળી ક્ષણો ભીતર
સહસા છાતી ફાડી તરી આવતું વિસ્મૃત નગર,
ગોરાળુ જમીનના થર છેદી ફૂટી નીકળતાં બીજાંકુરો
જૂનાં-નવાં રૂપ એકાકાર.
પ્રલયપૂરમાં લીન થતી સૃષ્ટિ.
મારી ત્વચા, માંસ-મજ્જા, શિરા-ધમની, રુધિર
રસબસ અંધારી-અજવાળી ક્ષણો ભીતર.
ગોરજ ટાણું, ધૂંધળી સાંજ
દિશાઓથી સૂસવતા પોકાર
પોકાર જળ, અગન, માટી આભ ને વાયરાના
ગંધ, સ્પર્શ, સ્વાદ, શ્વાસ ને રવના
અંધાર ઉજાશ ને ઉગમણા-આથમણાના-
રસબસ અંધારી અજવાળી ક્ષણો ભીતર.
માટીની માયા ધાનભરી ભોંયના શ્વાસ હેવાયા.
શિયાળુ સવારનાં હૂંફાળાં ચોસલાં
તાજાં લણેલાં ધાનની ગંધ
અંધારી અજવાળી ક્ષણોમાં પ્રવેશું વિસ્મૃત નગર ભીતર
ન સ્વપ્ન, ન સમજણ, ન કોઈ બોધ.
બહાર નક્ષત્રોભર્યું આકાશ, સઘળે તું વ્યાપ્ત
અવાજ જેવી
સુવાસ જેવી
હૂંફ જેવી
પ્રેમ જેવી ને
ક્યારેક મેં અતિશે ચાહેલા એકાંત જેવી.

( ઉર્વશી પંડ્યા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.