જન્નતી પૈગામ આવે તો ગઝલ લખ,
હૂર સાથે નામ આવે તો ગઝલ લખ.
કૃષ્ણ હૈયે ને મુહંમદ નામ હો કે,
કાશી-કાબા ધામ આવે તો ગઝલ લખ.
હોઠ પર મૂંગી રૂબાઈ બોલવા દે,
ત્યાં ઉમર ખય્યામ આવે તો ગઝલ લખ.
સ્મિતની સ્મૃતિ ઝરુખે જોઉં છું હું,
આંસુ ખુલ્લેઆમ આવે તો ગઝલ લખ.
શબરી ઊભી બોરની મીઠાશ લૈને,
ત્યાં અચાનક રામ આવે તો ગઝલ લખ.
શબ્દનો ‘બેન્યાઝ’ ઢળતો સૂર્ય નભમાં,
ત્યાં ગઝલની શામ આવે તો ગઝલ લખ.
( બેન્યાઝ ધ્રોલવી )