કેનેડામાં તમે પાર્ટ ટાઈમ જોબ કરો એટલે એક કલાકનો મિનિમમ પગાર ૧૧.૪૦ $ છે. ગોરા કે ચાઇનીસ લોકો તો ઘણી વખત વિદ્યાર્થીઓને ૧૨-૧૩ $ પણ આપતા હોય છે.
પણ ભારતીય લોકો ??? કોઈ ગુજરાતી કે પંજાબીના સ્ટોરમાં જોબ કરો એટલે વધુમાં વધુ ૮-૯ $ આપે. આટલા ઓછા પગારમાં તો એ લોકો તમારી આગળ કામ કરાવી-કરાવીને તમને નીચોવી નાખે.
તદુપરાંત, પાવર તો એવો કરે જાણે એ લોકો ભારતથી આવતા વિદ્યાર્થીઓને જીવાડી દેતા હોય. પરદેશમાં આપણા વિદ્યાર્થીઓને નોકરી દરમિયાન જેટલું શોષણ ભારતીય લોકો કરે છે એટલું બીજા કોઈ લોકો કરતા નથી.
અહીંયા તાજેતરમાં એક ગુજરાતીએ પોતાના સ્ટોરમાં મારા એક મિત્રને જોબ આપી. પેલા છોકરા આગળ લગભગ ૨૦ દિવસ ટ્રેનિંગના બહાને મફતમાં કામ કરાવી લીધું અને પછી તું લાયક નથી કહીને છૂટો કરી દીધો. આ પ્રકારના વ્યવહારની અપેક્ષા તમે માત્ર ભારતીય આગળથી જ રાખી શકો.
આમ પણ, માણસને પોતાના લોકો જેટલા નડે છે એટલા ક્યારેય પારકાં નડતા નથી. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હશે, એમાં તમારા સગા પહેલા તો વાંધો પાડશે. ગામમાં પ્રસંગ હશે તો પણ અડધા આવશે નહિ.
અને જેની સાથે લોહીનો સંબંધ નથી એવા લોકો ડગલે ને પગલે તમારી સાથે ઉભા રહી છેલ્લે સુધી તમારી મદદ કરશે. તમારી સાથે જેટલા વાંધા તમારી જ્ઞાતિ અને તમારા સગા પાડશે એટલા વાંધા બીજું કોઈ પાડશે નહિ.
એક નિવૃત સૈનિક સોસાયટીમાં રહેવા આવ્યા એટલે પાડોશીએ પૂછ્યું કે પહેલા તમે બોર્ડર ઉપર હતા અને હવે સમાજમાં જીવો છો. આ બંને જીવન વચ્ચે તમને કઈ તફાવત લાગે છે ?
ત્યારે અનુભવથી ઘડાયેલા સૈનિકે જવાબ આપ્યો કે હું જયારે બોર્ડર ઉપર હતો ત્યારે એ નક્કી હતું કે સામે ઉભા-ઉભા જે ફાયરિંગ કરે છે, બૉમ્બ બાર્ડીન્ગ કરે છે એ પારકાં છે, અને અહીંયા મારી સાથે ઉભા છે એ પોતાના છે. સમાજમાં એ નક્કી નથી થતું કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે.
એક જંગલમાં વૃક્ષોનું કચ્ચરઘાણ થતું હતું એમાં એક વયોવૃદ્ધ ઝાડવું ઉભું ઉભું રડતું હતું. ત્યારે યુવાન વૃક્ષ બોલ્યું કે આપણે કપાઈ છીએ એટલે રડો છો ને ? ત્યારે વૃદ્ધ વૃક્ષે જવાબ આપ્યો કે ના દીકરા, આપણે કપાઈ છીએ એનો વાંધો નથી પણ જો આપણા ને આપણા હાથો ન થયા હોત તો મારે ને તારે કપાવું નો પડ્યું હોત.
એક કુહાડીની કોઈ તાકાત નથી કે વૃક્ષને કાપી શકે. વૃક્ષમાંથી બનેલું લાકડું અને એ લાકડાનો હાથો જયારે કુહાડીની અંદર ભળી જાય છે ત્યારેજ એને કપાવું પડે છે.
આપણે કહીએ છીએ કે ભારતીય લોકો દરેક દેશમાં છે. પણ, એ ભારતીય લોકો જ એક બીજાના ટાંટિયા ખેંચતા હોય છે.
કોઈ પણ સમાજની અંદર પણ જ્ઞાતિબંધુઓ વચ્ચે ટાંટિયા ખેંચ ચાલુ જ હોય છે.
મોટાભાગના પરિવારમાં બે સગા ભાઈ વચ્ચે પણ બનતું નથી હોતું. બંને ભાઈઓ ઘરની બહાર રામ-લક્ષ્મણની જેમ ફરતા હોય અને ઘરમાં આવે એટલે રાવણ-વિભીષણ થઇ જતા હોય છે.
હમણાં રક્ષાબંધન ગઈ. એવી ઘણી બહેનો હશે જેને જેલમાં જઈને કેદીઓને રાખડી બાંધી હશે પણ પોતાના સગા ભાઈ સાથે અબોલા હશે.
માણસ દિવસના અંતે પોતાને દુઃખી કરનારા લોકોની યાદી બનાવે તો એમાં મોટાભાગના લોકો એના અંગત નીકળશે.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા.
-સૈફ પાલનપુરી
( મૌલિક જગદીશ ત્રિવેદી )