નિંદરની વચ્ચે ક્યાંક ક્યાંક જાગવું તો દે !
એકાદ સ્વપ્ન થોડુંઘણું આગવું તો દે !
વર્તાવ મારો શી રીતે બદલી શકીશ હું;
ખોટું થયું છે એમ મને લાગવું તો દે !
હો વેદના તો થોડો પણ બદલાવ શક્ય છે,
અથડામણો દે, લોહીઝાણ વાગવું તો દે !
ક્યાંથી તને હું પામું અકિંચન થયા વિના,
પાકડાવ ભિક્ષાપાત્ર અને માગવું તો દે !
માગું છું સાઈ, આટલું વરદાનમાં ફક્ત;
પોતા વડે જ પોતા તણું તાગવું તો દે !
( હરકિસન જોષી )