નાહકની ચિંતા છોડી દે; પડશે એવી દેવાશે,
તું તારી ખાંભી ખોડી દે; પડશે એવી દેવાશે.
જેને લીધે જીવન આખું પીડા કેવળ પીડા છે,
એ સંબંધોને તોડી દે; પડશે એવી દેવાશે.
સાવ સરળ રસ્તો બોલ; કોને અહીંયા લાધ્યો છે ?
તું મારગને જાતે મોડી દે; પડશે એવી દેવાશે.
થાવાનું તો થઈને રહેશે; આ કિનારો છોડીને,
દે, સાગરને તું હોડી દે; પડશે એવી દેવાશે.
ઈચ્છાઓને મારી-મારી ક્યાં લગ જીવીશું ‘નાદાન’?
દિલને દિલ સાથે જોડી દે; પડશે એવી દેવાશે.
( દિનેશ ડોંગરે ‘નાદાન’ )