સંબધો ઓગળવામાં છે-સાહિલ ડેરા સંકેલો,
સાંજ હવે બસ ઢળવામાં છે-સાહિલ ડેરા સંકેલો.
નિતનિત નવલા આશામિનારા બંધ કરી દ્યો ચણવાના,
જે છે એ પણ ઢળવામાં છે-સાહિલ ડેરા સંકેલો.
જીવતર આખું જાપયા તો પણ ના ક્યાંયે મેળાપ થયો,
એ ઈશ્વર ખુદ મળવામાં છે-સાહિલ ડેરા સંકેલો.
એકલતાના સાતે સાગર પળમાં પાર થયા સમજો,
મનના મેરુ ચળવામાં છે-સાહિલ ડેરા સંકેલો.
અજવાળાની કેટકેટલી રાહ જુવે છે વણજારો,
અંધારા ઝળહળવામાં છે-સાહિલ ડેરા સંકેલો.
પડછાયાનાં ટોળે-ટોળાં હાથ સ્વયંનો ઝાલીને,
ઘર-બારા નીકળવામાં છે-સાહિલ ડેરા સંકેલો.
જેને ચૂમી ચૂમી ‘સાહિલ’ ખૂબ ઝૂમ્યા ઊભા રસ્તે,
જામ હવે એ ગળવામાં છે-સાહિલ ડેરા સંકેલો.
( સાહિલ )