ભીતરની બારી તું ખોલ મારા સાયબા,
મનની તે વાત આજ બોલ મારા સાયબા.
ઝીણું ઝરમરતું આજ વરસે છે આભ,
તું અમથી તે છત્રી ના ખોલ મારા સાયબા.
ગમતાનો ઊડે અહીં ચોમેર ગુલાલ,
સંગ ઉમંગનો તું વગાડ ઢોલ મારા સાયબા.
ખુદને ખુદાથી થશે મબલખ કઈ વાતો,
એકાંતિ હિલ્લોળે ડોલ મારા સાયબા.
લીલી ડાળે ગૂંજે ભીનો ટહુકો પ્રીતમ,
ફૂલ પંખીનો કર ના તું તોલ મારા સાયબા.
( પ્રીતમ લખલાણી )