ગાલના ખાડાના કૂંણા ઢાળમાં,
હું પરોવાયો છું તારા વાળમાં !
મેં સરોવરને નથી જોયું કદિ’
જીવ અટવાયો છે એની પાળમાં.
કેમ હાંફે છે કબૂતર શ્વાસનાં ?
એ હજી આવ્યા છે ક્યાં પરસાળમાં ?!
અશ્રુઓની ધારથી ન્હાયો છું હું,
તું નવો કૂવો કપાળે ગાળ મા.
મોર જે છાતીમાં છુંદાવ્યો હતો,
એ હવે ઊડી ગયો ભૂતકાળમાં !
( સ્નેહલ જોષી )