મૂર્તિ ઘડતાં ઘડતાં છેવટ મિટ્ટી જેવો થૈ ગયો,
આદિ માનવની ગુફાની લિપિ જેવો થૈ ગયો !
માળી પરફ્યુમથી છલકતી શીશી જેવો થૈ ગયો,
ને બગીચો રોડ પરની બીડી જેવો થૈ ગયો !
અવતરી કાગળ ઉપર આષાઢની રમણીયતા,
જીવ કાલિદાસની લેખિની જેવો થૈ ગયો !
દરિયાથી ઝરણા તરફ…પર્વત લગી…આરોહણે…
શાહીનો ખડિયો શિશુની લીટી જેવો થૈ ગયો !
એક દિ’ સાચી ગઝલ લખવાની પ્રક્રિયામાં હું,
ઈવ ને આદમની રસબસ કીકી જેવો થૈ ગયો !
કોઈ ટહુકો માળાનું અજવાળું લૈ આવ્યો નહીં,
સૂર્ય પણ તારીખિયાની તિથિ જેવો થૈ ગયો !
આશ્રમે ગ્યો’તો…ને અડક્યો દોરો ખાદીનો જરા,
એક ક્ષણ હું રેંટિયાની ગતિ જેવો થૈ ગયો !
( લલિત ત્રિવેદી )