તું જો છે તો ખાસ છે દિવસ,
કેફ, મસ્તી, વિલાસ છે દિવસ.
તારી આંખોમાં ઊઘડતાં પુષ્પો,
મારા શ્વાસો સુવાસ છે દિવસ.
વેલ જાણે ચડે દીવાલો પર,
આ પ્રસરતો ઉજાસ છે દિવસ.
તારા ચહેરાથી ચાંદની વરસે,
કેશ કાળા અમાસ છે દિવસ.
તું જો છે તો રંગરાસ બધે,
તું ન હો તો ઉદાસ છે દિવસ.
હોઠ પર તારા સ્પર્શની લિજ્જત,
તોય અણબૂઝ આ પ્યાસ છે દિવસ.
એક તારાથી આ ગઝલ છે હનીફ,
તું જો છે તો આ પ્રાસ છે દિવસ.
( હનીફ સાહિલ )