જીવવા જેવું નથી જે ગામમાં,
ત્યાં વીતાવ્યું આયખું આરામમાં.
લાગણીઓ વેચવા આવ્યો હતો,
હું જ વેચાઈ ગયો લિલામમાં.
એ જ ક્ષણથી નીંદથી કિટ્ટા થયો,
જે ક્ષણે સપનાં મળ્યાં ઈનામમાં.
એ ય એળે આયખાંં જેમ જ જશે,
આ સુરા રેડો ગળેલા જામમાં.
ઘરેથી ચિક્કાર પીને નીકળ્યો,
ભાનમાં આવ્યો નશાના ધામમાં.
હોઉં છું જ્યારે તમારા આંગણે,
હોઉં છું જાણે હું તીરથધામમાં.
હું મને ‘સાહિલ’ મળું તો શી રીતે,
હું જીવું છું સાવ ખોટા ઠામમાં.
( સાહિલ )