સૂર્યના સંગાથનો વિશ્વાસ લઈ,
પાંગર્યો છું ડાળનો વિશ્વાસ લઈ.
ઊભવાનું હોય તો ઊભા રહો,
આયનાના સાચનો વિશ્વાસ લઈ.
કેટલા દરિયા વટાવી જાય છે,
એક પીછું પાંખનો વિશ્વાસ લઈ.
દોડજે તું શસ્ત્ર લઈ ફરિયાદનું,
હું ફરું સંવાદનો વિશ્વાસ લઈ.
જીવવું તો એ જ સાચું જીવવું,
આપણા અજવાસનો વિશ્વાસ લઈ.
અસ્તનો મતલબ નવેસર ઊગવું,
આવનારી કાલનો વિશ્વાસ લઈ.
( શૈલેન રાવલ )