એક શ્રાવણીની હ્રદયાંજલિ : એટલે : પ્રિય મમ્મી – પ્રિય પપ્પા
“ હાલરડું એટલે
મા નામના પ્રદેશનું રાષ્ટ્રગીત “
-અજ્ઞાત
હિના પારેખે મમ્મી- પપ્પા માટે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે એક સરસ પ્રયાસ કર્યો અને સ્વજનો, મિત્રો, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ દ્વારા વ્યક્ત થયેલી શબ્દાંજલિ દ્વારા એક ઉમદા, મહેનતુ, પ્રમાણિક, હોશિયાર, પ્રેમાળ, સમર્પિત શિક્ષક દંપતીનો પરિચય પ્રાપ્ત થયો. એમાં ફરજ પરસ્તિ, શિસ્તનો આગ્રહ, તટસ્થ વર્તનવ્યવહારની વાતો સાથે પ્રેમાળ માતા, બહેન, સખી, પત્ની, પુત્રી, પુત્રવહુ, કાકી, મામી, ભાભી, નાની, પડોશી તરીકે હંસાબહેનનું વ્યક્તિત્વ ઉજાગર થાય છે. સાથે સતત મદનભાઈના દાંપત્યપ્રેમ અને સખ્યની વાતો વણાયેલી છે. સરેરાશ ભારતીય, ગુજરાતી પરિવારમાં એક શિક્ષિત દીકરી અને પત્ની આજથી પચાસ-સાઠવર્ષના સમયખંડમાં કેવી રીતે ઢાલ બની ઊભી રહે અને પોતાની ભૂમિકાને ન્યાય આપે તેની કથા એટલે હંસાબહેન મદનભાઈ પારેખનું જીવન અને કવન. કોકિલાબહેન, હિના, મદનભાઈ, રાજ, પ્રીતિ, દીપ્તિ, બંસરી, ચાંદની અને મારા સહિત પિસ્તાળીસ ભાવકોએ પોતાની ભાવના અહીં હંસાબહેન અને મદનભાઈ માટે વ્યક્ત કરી છે. દરેકને કદાચ એક વાત સતત કહેવી છે કે તેઓ અમારી નજીક હતાં અને છે તેની એમને ખાતરી છે. ગામમાં પિયર અને ગામમાં સાસરું સાથે સગાંસંબંધીઓમાં અંદરોઅંદર લગ્નસંબંધથી બનતો બૃહદ પરિવાર તેને સાચવવો અને છતાં સ્વચ્છ પ્રતિભાને અકબંધ રાખવી એ લોઢાના ચણા ચાવવા જેવી જ વાત છે પરંતુ પારેખ દંપતીએ એ ચણા ચાવીને પચાવી જાણ્યા છે તે પુસ્તકમાંથી પસાર થતાં અનુભવી શકાય છે.
આ પુસ્તકમાં ઘણા લેખો એવા છે કે જેની વાત કરવી જોઈએ પરંતુ મને સૌથી વધારે સ્પર્શ્યો તે લેખ છે, “રોટલી બા”. બંસરી શુકલ તો પાડોશીની દીકરી પરંતુ સમગ્ર મહોલ્લાનું એક જ પરિવારના હોવાનું દ્રશ્ય અહીં તાદ્રશ થાય છે. ત્યારે કોઈ બેબી સીટર કે ઘોડિયાઘરની જરૂર પડતી નો’તી. માતપિતા ઘરમાં ન હોય તો બાળક ભૂખ્યું ન રહે. પડોશમાં તમને દાદી અને ફુઈ મળી જ જાય. પડોશી દાદા વાર્તા કરે, દાદી ખવડાવે અને ફુઈ હાલરડાં- ખાયણાં- ગીતો ગાય અને માતપિતા નચિંત મને કામ પર જાય ! એઓ વળી એ દાદાદાદી ને ફુઈના દીકરા વહુ ને ભાઈભાભી બની રહે ! તે રીતે જ્યાં પડોશીની દીકરીના આવાં લાલનપાલન હોય ત્યાં દોહિત્રો ને દોહિત્રી તો માથે જ હોય ! અહીં એવું જ પરંતુ કોઈને પણ સંસ્કાર આપવામાં બાંધછોડ નહીં. મને એટલે જ બંસરીની સાથે “મારા પ્રેમાળ માસી- પાર્થ રાવલ”, “માસીની ચોથી દીકરી- અમી રાવલ” તથા દોહિતરાં રાજ અને ચાંદનીના લેખો પણ ખૂબ જ ગમ્યા. કોકીલાબહેન અને હિનાનું તર્પણ તો લાજવાબ છે.
હંસાબહેન જમનાબાઈનાં વિદ્યાર્થિની અને પછી શિક્ષિકા આ વાત મારાં માટે અગત્યની છે. હું પણ જમનાબાઈની વિદ્યાર્થિની. વળી જમનાબાઈ મારાં તો વડદાદી. જોકે અમે ક્યારેય જમનાબાઈને જોયાં નહીં પરંતુ જમનાબાઈની એક એક વિદ્યાર્થિની, આચાર્યા અને ટીચર એટલે ખુદ જમનાબાઈ એવો અહેસાસ મને કાયમ રહ્યો અને હિનાએ જે વિશ્વાસથી મને હંસાબહેન વિશે લખવા ઈજન આપ્યું તેથી તે બેવડાયો.
મારે તો હિના વિશે પણ ખૂબ લખવું છે કારણ કે પરાણે વહાલી અને મીઠડી લાગે તેવી આ શ્રાવણીએ જે સંકલન કર્યું છે તેમાં નિર્ભેળ પ્રેમ જ વણાયેલો છે. હિનાને ધન્યવાદ.
( બકુલા ઘાસવાલા )
Very inspirational Heenaben.
Awesome book… True gift to the parents.. all articles are very very nice..