જીવતાં જીવતાં એક ઘડી કે આધ ઘડી મરવાનું રાખો,
રાગરંગની સગવડ વચ્ચે અંતરતમ ફરવાનું રાખો.
ભૂતકાળના હિસાબ છેકી, ભવિષ્યની ગણનાઓ રોકી,
વર્તમાનની અવાક પળમાં જાત ભૂલી ભળવાનું રાખો.
ક્યાંક સમયનું પૂર આવશે, વા વાશે વંટોળ લાવશે,
રૂપસાગરે મોજાંની મધ્ય વમળ તરવાનું રાખો.
આ પૂરવ આ પશ્ચિમ ઉત્તર દેશદેશની દુનિયા નોખી,
હદ અનહદની સરહદ ભૂલી દૂર નજર કરવાનું રાખો.
સત્ય નથી ને પ્રેમ નથી એ માનીને કરુણા નહિ પામો,
હું તું ને તે ત્રણ અક્ષરમાં ઈશ્વરને સ્મરવાનું રાખો.
( રઘુવીર ચૌધરી )
( રઘુવીર ચૌધરી )