તને તારી પાસેથી માગું હું એવી દુવા માગવાની તું પરવાનગી દે,
તને દોસ્તી મારી મંજૂર છે તો તને ચાહવાની તું પરવાનગી દે !
હું દરિયાની લહેરોની માફક નથી કે કિનારાને સ્પર્શીને પાછો વળી જાઉં,
હું આંખોના ઉંબર લગોલગ ઊભો છું હૃદય લગ જવાની તું પરવાનગી દે !
તું મક્તા વગરની કુંવારી ગઝલ છે, તું શીર્ષક વિનાની નવી વાર્તા છે,
હવે બસ તમન્ના તને વાંચવી છે, તને વાંચવાની તું પરવાનગી દે !
બધા અક્ષરો તારી બારાખડીના, હવે મારે મોઢે કરી લેવા પડશે,
કે કક્કાની માફક તને ઘૂંટવી છે, તને ઘૂંટવાની તું પરવાનગી દે !
ભલે તું અછાંદાસ છે તો પણ તું જોજે, તરન્નુમ પ્રગટશે તારા હોઠમાંથી,
ગઝલ જેમ મારે તને છેડવી છે, તને છેડવાની તું પરવાનગી દે !
કદી કલ્પનામાં કદી રૂબરૂમાં કે મધરાતે સ્વપનામાં હું છું રે કોઈ,
ઘણા પ્રશ્નો મારે તને પૂછવા છે, તને પૂછવાની તું પરવાનગી દે !
ખલીલ એ હવે ક્યાંક છટકે ન માટે સરસ પ્રેમપૂર્વક કહી દો કે સાંભળ,
વચન વાયદામાં તને બાંધવી છે, તને બાંધવાની તું પરવાનગી દે !
( ખલીલ ધનતેજવી )