મેં પ્રભુની કોઈ ભક્તિ-સરભરા નહોતી કરી,
તોય એ ખુશ…કેમ કે મેં યાચના નહોતી કરી.
એક પણ વ્યક્તિના હોઠે સ્મિત ના લાવી શક્યો,
આટલા નિષ્ફળ દિવસની કલ્પના નહોતી કરી.
આપણે બદલો તો લેવો જોઈએ પણ આ રીતે ?
તેં કરી એવી તો એણે અવદશા નહોતી કરી !
આ વખત નિર્દોષ છું હું તોય અપરાધી ઠર્યો,
જ્યારે મેં ગુન્હો કર્યો’તો, તેં સજા નહોતી કરી.
મૂંઝવણ ઈશ્વરની છે કે ‘કેવું જીવન દઉં તને ?’
તેં મજાની જિંદગીમાં પણ મજા નહોતી કરી.
( કિરણસિંહ ચૌહાણ )