આંખનો વધશે હજી ખખડાટ, આ તો કૈં નથી
ખૂબ મચવાનો પછી તરખાટ, આ તો કૈં નથી
તારું ચોમાસું રિસાયે ક્યાં લાંબો થયો !
તેં નથી જોયો અસલ ઉકળાટ, આ તો કૈં નથી
તેજના વધવાની લાલચને હજી પણ રોકી લો
લાવશે અંધાપો, એ ચળકાટ, આ તો કૈં નથી
હું જો પટકાઉં શિખરથી તો દિલાસા તું ન દે
આભ પરથી ખાધી છે પછડાટ, આ તો કૈં નથી
આ સજા પડવાની ધ્રુજારી છે, પસ્તાવાની નહિ
તમને સમજાશે પછી ગભરાટ, આ તો કૈં નથી
કદરૂપા સર્જનની ફરિયાદોથી છંછેડો નહીં
દાઝમાં ઘડશે નવો એ ઘાટ, આ તો કૈં નથી
( ભાવેશ ભટ્ટ )