મારા મનમાં જે હતો બોજો ભરીને લઈ ગઈ,
છાંયડો આપી ગઈ તડકો ભરીને લઈ ગઈ.
મારા હોઠે સ્મિત જેવું કંઈ જડ્યું ના એટલે,
મારી આંખોમાંથી એ દરિયો ભરીને લઈ ગઈ.
ખુદ એણે રસ ચૂસવાની અડચણો આઘી કરી,
શેરડીમાંથી બધી ગાંઠો ભરીને લઈ ગઈ.
પહેલાં લોટો લઈને આવી, એ તો મેં ભરવા દીધો,
પણ પછી પેધી પડી, ડોળો ભરીને લઈ ગઈ.
સાવ આવી રોશની એના ઘરે ક્યારે હતી,
મારા અજવાળામાંથી દીવો ભરીને લઈ ગઈ.
દિલમાં ક્યાં રાખીશ, હવે દિલમાં જગા છે કે નહીં,
આ તારી આંખોમાં મારો ચહેરો ભરીને લઈ ગઈ.
મેં ખલીલ એને ફક્ત ગજવું જ ભરવાનું કહ્યું,
વાતે વળગાડી મને ફાંટો ભરીને લઈ ગઈ.
( ખલીલ ધનતેજવી )
સારી ગજલ