ઘણાં બધાં કારણોને લીધે “મોરપીંછ” પર નિયમિત પોસ્ટ મૂકી શકાતી નહોતી. ફરી એક વાર હું હાજર છું. બહુ મોટી મોટી વાતો કરતાં મને નથી આવડતું. હું બ્લોગર પણ નથી. બસ જે વાંચુ છું તે વહેંચું છું. જેટલા પુસ્તકો વસાવ્યા છે તે બધા વાંચવાનો સમય મળે અને એમાંથી કંઈક વધારે સારું પોસ્ટ કરી શકું એ જ અભ્યર્થના છે.
એક નાનકડી વાત..
પરમ દિવસે સવારે ઉઠીને મેં રસોડાની લાઈટ ચાલુ કરી તો મને પાંખોનો ફફડાટ સંભળાયો. બે ઘડી તો સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. ચામાચિડીયું ઘણી વાર ઘરમાં આવી જાય છે. તો તે હશે એવું લાગ્યું. પણ ધ્યાનથી જોયું તો ચકલીના વંશનું કોઈ પક્ષી હતું. ઠંડીના કારણે બધા બારણાં બંધ જ હતા. પણ ઉપરના માળે બારીના સળિયામાંથી ઘરમાં પ્રવેશ્યું હશે અને રાત્રિના અંધકારમાં ઘરના નીચેના ભાગે ઉડી આવ્યું. જ્યાં બધું બંધ હતું. એટલે રસોડામાં આમ તેમ ઉડતું હતું. મેં બધા બારણાં ખોલી નાખ્યા. જેથી એ બહાર ઉડી શકે. પણ બહાર અંધારું હતું. અને ઘરમાં લાઈટ હતી એટલે એને દિશા જડી નહીં. ભીંતમાં ને ભીંતમાં જ અથડાઈને બહાર જવાનો રસ્તો શોધતું હતું. આ પ્રક્રિયામાં અડધો કલાક તો વીતી જ ગયો. બહાર ધીમે ધીમે અજવાળું થવા લાગ્યું. એટલે મેં રસોડાની લાઈટ બંધ કરી દીધી. ભીંતમાં અથડાતા અથડાતા થોડું નીચે આવ્યું અને ખૂલ્લા દરવાજા સુધી પહોંચ્યું એટલે બહાર ઉડવાનો માર્ગ છેવટે મળી જ ગયો.
આપણે પણ ઘણીવાર આ પક્ષીની માફક ખોટી જગ્યાએ રસ્તો શોધતા હોઈએ છીએ. જે ભીંતમાં દરવાજો છે જ નહીં એવી ભીંતમાં અથડાઈએ છીએ. અને માર્ગ મળી જશે એની રાહ જોઈએ છીએ. કાળ અંધકારમાં ખોટી જગ્યાએ રસ્તો શોધવાને બદલે શાંતિ રાખીને અજવાસના કિરણો કઈ દિશામાં ફૂટી નીકળે એ જોવાની જરૂર છે. રસ્તો ત્યાં જ મળી જશે.
ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આપ સૌને યોગ્ય અને સાચો રસ્તો મળી જાય એવી શુભકામનાઓ સાથે..
12.27 am, 01.01.2020
(હિના પારેખ “મનમૌજી”)
True .. looking forward to read more on your blog.. keep it up