એક દિવસ એકાંતે બેસી-રિષભ મહેતા

કર્યો સંબંધોનો સરવાળો, એક દિવસ એકાંતે બેસી,

દીધી મેં પોતાને ગાળો, એક દિવસ એકાંતે બેસી.

 

કોને કોને મળવામાં આ રહી ગયું મળવું પોતાને ?

ચાલને જીવ ! મેળવીએ તાળો, એક દિવસ એકાંતે બેસી.

 

મારા ઘરમાં મેળો મેળો તો પણ હું ખાલી ને ખાલી,

જોયો મેં ગરબડ ગોટાળો, એક દિવસ એકાંતે બેસી.

 

રોડાં રસ્તામાં નાખે છે, સરળ સફરને અટકાવે છે,

ગાંઠ અણગમાની ઓગાળો, એક દિવસ એકાંતે બેસી.

 

જે પરમની સાવ નિકટ છે, ટોળામાં એ મળે, વિકટ છે,

મનમાં જે ટોળું છે, ટાળો, એક દિવસ એકાંતે બેસી.

 

જે ટોળામાં ખોઈ બેઠા, સંભવ છે એ મળેય પાછો-

સહજ પ્રણયનો સુંદર ગાળો, એક દિવસ એકાંતે બેસી.

 

પોતીકા અજવાળાની જો હોય આપને તલાશ તો તો,

દીપક સાથે દિલ પણ બાળો, એક દિવસ એકાંતે બેસી.

 

ભીડમાં એને ગમવા લાગ્યું, મન ગમે ત્યાં ભમવા લાગ્યું,

મનને પાછું મનમાં બાળો, એક દિવસ એકાંતે બેસી.

 

એમ નહીં સમજાય આપને, રૂપ નહીં દેખાય આપને,

આ ગઝલની ભીતર ભાળો, એક દિવસ એકાંતે બેસી.

 

રંગ તરંગ સુગંધ છંદ ને સ્પંદની નવલખ છોળ ઊછળશે,

તમે મને નખશિખ નિહાળો, એક દિવસ એકાંતે બેસી.

 

( રિષભ મહેતા )

One thought on “એક દિવસ એકાંતે બેસી-રિષભ મહેતા

  1. કોને કોને મળવામાં આ રહી ગયું મળવું પોતાને ?

    ચાલને જીવ ! મેળવીએ તાળો, એક દિવસ એકાંતે બેસી.

    વાહ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.