નથી કૈં ખાસ નવતર પણ મજાની વાત કરવી છે,
જરા ઊભા રહો તો ઊભરાની વાત કરવી છે.
કસબ, કૌશલ્ય, કામણ કે કળાની વાત કરવી છે,
તસોતસ કમખે ટાંકયાં આભલાંની વાત કરવી છે.
જીવનવૃત્તાંતની રસભર, તરલ વાતોને વીણી લઈ,
કથામાંથી ઊભરતી પટકથાની વાત કરવી છે.
ભલે પાણીને સાંગોપાંગ ઓળખ હોય પથ્થરની,
છતાં જીદે ચડેલા કાગડાની વાત કરવી છે.
આ જેણે ઊંઘ આપી છે પરંતુ સ્વપ્ન ના દીધાં,
બિછાનું, બારી ને એ ઓરડાની વાત કરવી છે.
પ્રપંચો, ખેલ, કાવાદાવા જેવાં આળ ઓઢી લઈ,
અમી થઈ અવતરેલા ટુકડાની વાત કરવી છે.
શિખરના સોનવર્ણા ઝળહળાટો ત્યાં જ છોડી દઈ,
નર્યું નિષ્પૃહી ફરફરતી ધજાની વાત કરવી છે.
( સંજુ વાળા )