હઠ છે-સંજુ વાળા

જાણી લીધું તેં શું શું ? શું તાગવાની હઠ છે ?

ઓ બાજુ તારું હોવું આ બાજુ ખાલી હઠ છે.

 

આકારી માની લઈએ તો વિશ્વવ્યાપી હઠ છે,

અંગત હો માન્યતા તો સૌથી નિરાળી હઠ છે.

 

ખાળી શકે ના ઊભરો તો સાચવી લે ચોક્કસ,

પણ મારી-મચડી બોલે એ માત્ર કાળી હઠ છે.

 

સંતોએ જેને ગાયું એ સત્ય છે સવાયું,

તું એ જ બડબડે તો સૌથી નકામી હઠ છે.

 

પહેલાં જરાક સૂંઘી, ચાખીને મૂલવી જો,

જાણ્યા વગર પ્રયોજન શબ્દોમાં ઢાળી હઠ છે.

 

એ દૂર… દૂરથી પણ મ્હેકે છે, તગતગે છે,

કોના વિચારની આ આકાશગામી હઠ છે ?

 

સંભાળજે આ મુરશીદ ! આ ઈલ્મની છડી છે,

ખોટી જગ્યાએ સાબિત થાશે સ્વમાની હઠ છે.

 

( સંજુ વાળા )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.