આમ તો ચારે તરફ દીવાલ પથ્થરની હતી,
પણ વાત જે ફૂટી ગઈ એ વાત ઘરની હતી.
એકલા સુખથી નથી જીવન ઘડાતું કોઈ દિ’,
જિંદગી ઘડવા જરૂરત એક ઠોકરની હતી.
જ્યાં ફકીરોને અઢેલી બેસતા જોયા હતા,
બાદશાહોની કબર ત્યાં સંગેમરમરની હતી.
લાશને સંભાળથી લાવી કિનારા પર મૂકી,
કેટલી દરિયાદિલી બેદર્દ સાગરની હતી.
બલિદાન ફૂલોનું હતું એ વાત પરદામાં રહી,
જે જમાનાએ ઝલી ખુશ્બૂ એ અત્તરની હતી.
પુરુષાર્થથી અવળું થવા સંભવ બહુ ઓછો હતો,
જે કંઈ ભીતિ હતી મનમાં મુકદ્દરની હતી.
ધારેલ દિલની ધારણા એકેય બર આવી નહિ,
મારી મરજીથી જુદી મરજી જ ઈશ્વરની હતી.
( કુતુબ ‘આઝાદ’ )