ફૂલ કેરા સ્પર્શથી-સૈફ પાલનપુરી

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,

એને રૂઝાયેલાં જખ્મો યાદ આવી જાય છે.

 

કેટલો નજદીક છે આ દૂરનો સંબંધ પણ,

હું હસું છુ એકલો એ એકલા શરમાય છે.

 

કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,

એક મૃત્યુ કેટલાં મૃત્યુ નભાવી જાય છે.

 

પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,

હોય જો પીનાર તો ખુદ ઝાંઝવાં છલકાય છે.

 

આ વિરહની રાત છે-તારીખનું પાનું નથી,

અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે.

 

એક પ્રણાલિકા નભાવું છું લખું છું ‘સૈફ’ હું,

બાકી ગઝલો જેવુ જીવન ક્યાં હવે જીવાય છે.

 

( સૈફ પાલનપુરી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.