…ના સમજતા-ભાવેશ ભટ્ટ

હલેસાંને સુકાની ના સમજતા,

તમે આ વાત નાની ના સમજતા.

 

મને છે ટેવ કાયમ ચોંકવાની,

એ મારી સાવધાની ના સમજતા.

 

સૂરજ ઊગ્યો, તો ફાળો આપણો શું ?

ડૂબે તો નુકસાની ના સમજતા.

 

હવે દો એને ચહેરાનો દરજ્જો,

બુકાનીને બુકાની ના સમજતા.

 

મને અજવાશનો એ માત્ર નિમિત્ત,

દીવાની મહેરબાની ના સમજતા.

 

ચૂકે, પણ લાગવા ના દે કે ઝૂકયું,

એ મસ્તકને સ્વમાની ના સમજતા.

 

વધુ પડતું કોઈ સંસ્કારી લાગે !

તો એને ખાનદાની ના સમજતા.

 

( ભાવેશ ભટ્ટ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.