ઉડાવું છું દિલથી નજર ધીરે ધીરે,
અને દૂર થાશે ફિકર ધીરે ધીરે.
ન રાહત મળી છે ન ચાહત મળી છે,
મળી છે અમોને સબર ધીરે ધીરે.
ઉતાવળ છે શી મંઝીલે પહોંચવાની,
કે પૂરી થવાની સફર ધીરે ધીરે.
છે અહેસાન મારું મહોબ્બતના સદકે,
લૂંટાયો છું હું ઉમ્રભર ધીરે ધીરે.
શરૂઆત છે ‘શામ’ ધીરજ ન ખોવી,
સહી લેશે ઝૂલ્મો જિગર ધીરે ધીરે.
( નુરુદ્દીન ‘શામ’ )