ઝાંઝરણું-સુંદરમ્

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,

મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે;

મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

 

એને ઘૂઘરે ઘમકે તારલિયા,

એને પડખે ચમકે ચાંદલિયા;

એને મોઢે તે બેઠા મોરલિયા,

મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

 

એ રાજાએ માગ્યું ઝાંઝરણું,

એ રાણીએ માગ્યું ઝાંઝરણું,

તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું.

મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

 

ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,

મારી હરખે તે સરખી સાહેલી;

એને ઠમકારે લોકની આંખ ઝાલી.

મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

 

( સુંદરમ્ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.