બીજું તો હું શું સમજાવું ?-સંજુ વાળા

બહુ બહુ તો એક કરું ઈશારો બીજું તો હું શું સમજાવું ?

બની રહે જે ધોરણ-ધારો બીજું તો હું શું સમજાવું ?

 

હું વણજારો – તું વણજારો બીજું તો હું શું સમજાવું ?

વણજ વિના નહીં આરો-વારો બીજું તો હું શું સમજાવું ?

 

ઘૂમરાતું ચગડોળ જગત આ તું ‘ને હું સરખા સહેલાણી,

ચડ-ઊતર છે નિયમ નઠારો બીજું તો હું શું સમજાવું ?

 

પોત હશે પાણીનું તારું તો જ શક્યતા બરફ થવાની,

નાહક ના વેડફ જન્મારો બીજું તો હું શું સમજાવું ?

 

શબદબીજને શબદનું સિંચન શબદની નીપજ ‘ને સાળ શબદની

શબદ રંગ ‘ને ખુદ રંગારો બીજું તો હું શું સમજાવું ?

 

ચતુર્મુખ ત્રિગુણા ભગવતી હે ભાષા ! તું ભેરે રહેજે,

ભીડ પડ્યે સાચો સધિયારો બીજું તો હું શું સમજાવું ?

 

ઈચ્છાઓ આડી ઊભી છે વળગણથી બોઝિલ છે પાંખો,

એમ નહીં સીઝે સંથારો બીજું તો હું શું સમજાવું ?

 

( સંજુ વાળા )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.