નવું છે દર્દ જિગરમાં સવાર સાંજ હવે,
સતત રહું છું ફિકરમાં સવાર સાંજ હવે.
અટૂલો રાહમાં મૂકી ન દે મને સાકી,
વીતે છે એજ અસરમાં સવાર સાંજ હવે.
હસી પડે છે કિનારો આ દ્રશ્ય જોઈને;
રહે છે નાવ ભવરમાં સવાર સાંજ હવે.
બની ગયા છે બધાં માનવીઓ યંત્ર સમા,
અજંપો છે આ નગરમાં સવાર સાંજ હવે.
નિકટતા સાવ ગુમાવી છે આપણાઓની,
પરાયા જેમ છું ઘરમાં સવાર સાંજ હવે.
પ્રત્યેક રાહમાં કંટક બિછાવનારાઓ,
મળી રહે છે સફરમાં સવાર સાંજ હવે.
અંધારી રાતમાં ભટકે છે ‘શામ’ મસ્તીથી,
જુદી છે એની નજરમાં સવાર સાંજ હવે.
( નુરૂદ્દીન ‘શામ’ )