આજે ૨૩મી જાન્યુઆરી એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ. અને તેમના વિશે ન લખું તેવું તો અશક્ય છે. પણ ઓછા શબ્દોમાં નેતાજી વિશે વધુ માહિતી કયા પુસ્તકમાં મળશે તેનું ચયન કરતો હતો ત્યારે વોટ્સએપના એક સમૂહથી મિત્ર બનેલા તેવા શ્રી ધનંજયભાઈ રાવલ દ્વારા સંકલિત પુસ્તક ‘આઝાદી કે દીવાને’ હાથમાં આવ્યું. તેમનાં આ પુસ્તકમાં ૧૧૧ એકથી એક ચડિયાતા ક્રાંતિકારીઓના શ્વાસ થંભાવી દે તેવા કારનામાઓનો માત્ર ૧૨૩ પાનાઓમાં સમાવેશ કરવામાં આવેલો છે.
આ પુસ્તકમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી આપતાં ધનંજય રાવલજી લખે છે કે…
“કોંગ્રેસના અધિવેશનમાં સશસ્ત્ર ક્રાંતિના આગ્રહીની ભૂમિકાથી મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓ સાથે મતભેદ થયો. ત્યારે નેતાજીએ કોંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો અને ફોરવર્ડ બ્લૉક પક્ષની સ્થાપના કરી.
સ્વાતંત્ર્યવીર સાવરકર સાથે જૂન ૨૨, ૧૯૪૦ના રોજ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. અંગ્રેજોની નજરકેદમાંથી તે અત્યંત રોમાંચકપણે ઝિયાઉદ્દીન નામથી ફરાર થયા. અફઘાનિસ્તાન-રશિયા માર્ગે તે જર્મનીમાં દાખલ થયા. હિટલર, મુસોલિની, ડી. વિલેરા વગેરે મોટા નેતાઓ સાથે નેતાજીએ સંપર્ક સ્થાપ્યો. નેતાજી જાપાન પહોંચ્યા બાદ ત્યાં ક્રાંતિકારી રાસબિહારી બોઝ સાથે સંપર્ક કર્યો. ‘આઝાદ હિંદ ફોઝ’ની આગેવાની લીધી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન સાથે મળી અંગ્રેજોના કબ્જામાંના આંદામાન નિકોબાર ટાપુ જીતી લીધા. જેનાં નામ ‘શહીદ’ અને ‘સ્વરાજ્ય’ રાખ્યાં.”
આ પુસ્તકમાં વાક્યરચનાઓમાં થોડી ભૂલો છે પણ સંકલિત માહિતી અમૂલ્ય છે. વાંચતાં રહેજો. નેતાજી સુભાષચંદ્ર બોઝને વંદન સાથે.
પુસ્તક : આઝાદી કે દીવાને-ધનંજય રાવલ
પ્રકાશક : હેમેન્દ્ર ભોગીલાલ શાહ, બુકશેલ્ફ
પૃષ્ઠ : ૧૨૩
કિંમત : ૧૨૫ રૂ.