ત્યાં સાચા અર્થમાં તું નિરાકાર હોય છે,
માનવ બધી રીતે જ્યાં નિરાધાર હોય છે.
મિત્રોની બેવફાઈને ભૂલી જતે મગર,
મારું સ્મરણ સદાયે વફાદાર હોય છે.
એને અસત્ય માનથી આપે છે આશરો,
જ્યારે જગતમાં સત્ય નિરાધાર હોય છે.
ખટકી રહ્યો છે એમાં વજન દોષ ઓ ખુદા,
બાકી વિચાર તારા ઝળકદાર હોય છે.
એને ખુદીના નામથી પ્યારો કરી લીધો,
તારી સહાય વિણ જે અહંકાર હોય છે.
( ‘નઝીર’ ભાતરી )