એમાં તું સલવાઈ ગયો !-દક્ષા સંઘવી

ઘર ઘર રમતાં વાડા બાંધ્યા, એમાં તું સલવાઈ ગયો !

ડેલી-ડેલા સજ્જડ વાસ્યા, એમાં તું સલવાઈ ગયો !

 

ભીંત ચણી તો દરવાજાઓ રાખ ભલે, તું તારો હાકમ;

પણ ત્યાં સાત નકૂચા નાખ્યા, એમાં તું સલવાઈ ગયો !

 

લાગણીયુંમાં પાઘડીયુંનું કામ ન’તું એ જાણે તો પણ;

આંટા દઈ સંબંધ સજાવ્યા, એમાં તું સલવાઈ ગયો !

 

સીધી ને સટ વાત હતી આ, માણસ હોવું-માણસ થાવું;

પણ નોખા કાનૂન ઘડાવ્યા, એમાં તું સલવાઈ ગયો !

 

શ્વાસે શ્વાસે પ્રશ્નો હોવા એ કાંઈ તારી પીડા ન્હોતી;

જીવન બાર જવાબો શોધ્યા, એમાં તું સલવાઈ ગયો !

 

પથ્થરને ભગવાન કહીને પૂજયા તેં,  ભૈ તારી મરજી;

પણ માણસ છેવાડે રાખ્યા, એમાં તું સલવાઈ ગયો !

 

( દક્ષા સંઘવી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.