હવે કેવાં અંજળ ?
દૂર દૂર જે ગયાં તે અણસારે ક્યાં જડયાં ?
પળ સઘળી વિફળ
હવે કેવાં અંજળ ?
હું તો અહીંયાં આ વેરાને સૂરણ સાંકળી ગૂંથું,
એકલતામાં મરજીવો જેમ એકલ આંસુ લૂછું.
લખું નહીં હું કાગળ
હવે કેવાં અંજળ ?
એ બેઠાં એ નદી કિનારે ઓ દેખાતાં પ્હાડ,
ફળિયાનું આ ઝાડ હસે તો દોડું, ખોલું કમાડ.
જોઉં નહિ હું પાછળ,
કેવાં કેવાં અંજળ ?
હવે કેવાં અંજળ ?
સપનામાંથી બ્હાર આવતાં આંસુનાં સમંદર
જાણે યુગ નિષ્ફળ
હવે કેવાં અંજળ ?
( શૈલેષ ટેવાણી )