તરસઘરમાં પુરાયેલું મન
હવે ઝંખે છે, અફાટ આકાશને,
જ્યાં મન મૂકીને વિસ્તરી શકાય,
અહીં લાળ ટપકાવતી
ઝંખનાઓનાં ટોળાં,
રોજ ઊમટે છે મારી ભીતર.
અને દર્પણો ઓઢીને બેઠેલો હું,
સતત ભૂંસાતો જાઉં છું-
મારા જ પ્રતિબિંબમાં
એ ટોળાં રોજ ઘેરી વળે
છે મને,
અને એ રૂંધવા મથે છે-
મારા શ્વાસને.
હું છૂટવા મથું છું એનાથી,
પણ છૂટી શકતો નથી,
અને દર્પણો ફોડી પણ
શકતો નથી,
મારા જેવી મજબૂરી
ક્યારેક સમય અનુભવતો હશે ?
હવે તો છે એ રોજ
ઉમટતાં ટોળાં, અને
આ તરસઘર,
જે સતત વિસ્તરે છે-
મારી ભીતર,
અને હું…?!
( દુર્ગેશ ઉપાધ્યાય )