કારણો આપી અને થાકી ગયો છું,
મન તને માપી અને થાકી ગયો છું.
રોજ થીજી જાય છે આ આંસુ મારાં-
આંસુઓ તાપી અને થાકી ગયો છું.
રાત લાંબી ખૂબ લાંબી નીકળી છે,
હું મજલ કાપી અને થાકી ગયો છું.
એક જૂનો પત્ર તારો હાથ આવ્યો,
શબ્દ ઉથાપી અને થાકી ગયો છું.
પાર ક્યાં આવ્યો ધુમાડાનો હજીયે ?
આભમાં વ્યાપી અને થાકી ગયો છું.
( મનીષ પરમાર )