વેલેન્ટાઈન કે બલિદાન ???
નક્કી કરી લો કે શું મનાવવું છે ?
શું મનાવવું જોઈએ ?
શું મનાવી રહ્યા છીએ ?
સવાલોની ઝડીઓ વચ્ચે શરૂ થતા આજના લેખમાં છે માત્ર સવાલો જ… હજારો જખમ આપતા સેંકડો સવાલો તીરની જેમ માથામાં આખા શરીરમાં ખુંપવા લાગ્યા ને છાતી ફાડીને લોહી બહાર નીકળી જવાની કંપારી વછૂટતી કલ્પના છૂટી ત્યારે આ લખવા બેઠો છું. ધ્યાનથી વાંચજો, હાથ ધ્રૂજે છે, પાંપણ છલકાય છે ને ઓશીકું ભીંજાય છે ત્યારે આ લેખ લખાઈ રહ્યો છે.
દેશના યુવાનોને પશ્ચિમીકરણનો તાવ ચડ્યો છે. ધીમે ધીમે આ તાવ કોરોના જેવા જીવલેણ વાઇરસનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આપણે સહુ ભારતની અમર બલિદાની પરંપરાના વાહકો છીએ. આમ તો ઇતિહાસ એમ કહે છે કે ભારતે કદાપિ કોઈ દેશ કે માનવજાત પર સામે ચાલીને ક્યારેય આક્રમણ નથી કર્યું. પણ એક સત્ય એ પણ છે કે સંસ્કૃતિ-દેશ-ધર્મ-પરંપરાની રક્ષા માટે રક્ષાત્મક યુદ્ધો લડતા-લડતા સેંકડો લોકોએ બલિદાનો આપ્યા છે. આજના અફઘાનની પેલે પાર (ગાંધાર) સુધી આપણી અક્ષુણ્ણ સત્તા હતી. કદાચ આક્રમણ નહીં કરવાની વૃત્તિને કારણે, સહિષ્ણુ વૃત્તિને કારણે એક એક હિસ્સો કપાતો ગયો ને એક સમયનું જંબુદ્વીપ કે આર્યાવર્ત કે મહાન ભારત કપાતું-કપાતું આજનું હિન્દ કે ભારત માત્ર બનીને રહી ગયું.
“બાએ મારી બાઉન્ડરી” નામના એક નાટકમાં એક સંવાદ સાંભળ્યો ‘તો : “પરદેશમાં રહેલી બીમારી આપણે ત્યાં બહુ ઝડપથી આવી જતી હોય છે, જ્યારે તેની દવા અહીં આવતા સેંકડો વર્ષો લાગી જાય છે.” કેટલી વાસ્તવિક ને તલસ્પર્શી હકીકત છે, નહીં ??? વેલેન્ટાઈન જેવી બીમારીએ અહીં આવીને ભરડો લીધો છે. જવા-નીકળવાનું નામ જ નથી લેતી. ફિલ્મો ને સિરિયલો જોઈને છાકટી બનેલી આજની પેઢી ગજબના રવાડે ચડી છે. એમની ચકી ગજબની ફુલેકે ચડી છે. અટિયા-પટિયા પાડી, મોંઘા અત્તરના ફુવારા છાંટી હાથમાં ગુલાબ લઈને આંટા મારશે, બી માય વેલેન્ટાઈન… અરે ચલ હટ… સાવ હલકટ જેવી વાત થઈ આ તો. પ્રેમ કોઈ એક દિવસનો મોહતાજ હોય ? પ્રેમને કોઈ ઘડી-પળ કે મૂહુર્ત જોવાના હોય ??? પ્રેમનો મહિનો હોય ???
અચ્છા એ છાકટાઓને મારા બીજા બે ત્રણ સવાલ : કોઈ દિવસ તમને જણનારી જનેતાને આઈ લવ યુ કહ્યું છે ? બારે મહિના ઢસરડા કરીને તમારું પેટ ભરતા તમારા બાપને ભેટ્યા છો કદી ? તમારા ઘેર કચરા-પોતા કરવા આવતી બાઈને પ્રેમથી દુઃખ પૂછ્યું છે કદી ?
ચલો, સવાલ તો બીજાય છે : ગીતા જયંતિ ક્યારે આવે ? એકાદશીનો વૈજ્ઞાનિક મહિમા શું છે ? 17 વર્ષની ઉંમરે અંગ્રેજોએ ફાંસી આપી હતી એ વીર બાળક ભગવાન તિલકા માંઝીનું નામ કેટલા લોકોએ આજ પહેલા સાંભળ્યું છે ? ભગતસિંહને ફાંસી કયા ગુના માટે થઈ ? દુનિયા જેને ઝૂકે છે એ ચરક અને સુશ્રુત મુનિઓના નામ સાંભળ્યાં છે ?
ચલો, આ સવાલના જવાબો શોધજો. પહેલા એ કહો, વેલેન્ટાઈન શા માટે મનાવવાનો ? સંત વેલેન્ટાઈન કોણ હતા ? એણે ભારત માટે, ભારતના લોકો માટે શું કર્યું ? અને એ એક સંત જ હતા તો એ સંતની યાદમાં આવા વેવલાવેડા શું કામ કરવાના ? કોઈ સંતની યાદમાં પ્રેમ કરે ? સંતની યાદમાં કોઈ ગુલાબ લઈને ફરે ? સંતને શ્રદ્ધાંજલિ આપવા કોઈ આવી નખરેબાજી ને નાટકબાજી કરે ?
આવો, વીરપુર ! બસો વર્ષ પહેલા થઈ ગયેલા એક સંતપુરુષની શ્રદ્ધાંજલિ આપવા બસો વર્ષથી અખંડ રામરોટી ચાલે છે. રોજના હજારો લોકો મફત ભોજન મેળવે છે. ટૂકડો ત્યાં હરિ ઢૂકડો. આવા હોય સંતજીવન ને આવી હોય એમને શ્રદ્ધાંજલિ. આવો, બજરંગદાસબાપાના બગદાણામાં. ભૂખ્યા જાવ તો કહેજો. એ ઓલિયાના સ્મરણમાં અખંડ રામરોટી ચાલે છે. ચાલો પરબવાવડી બતાવું, દર્દી, ગાંડા, ઘેલા, માંદા, સહુની સમાનભાવે સુશ્રૂષા કરાય છે. ભગતના ગામ આંટો મારો (જોજો સાયલા કહેશો તો કોઈ પાણી પણ નહીં પીવડાવે, એને ભગતનું ગામ જ કહેવું પડે) ખબર પડે કે એક સંતના સ્મરણમાં એની નિશ્રામાં કેટ-કેટલું થાય છે. ખારાપાટની સાવ સૂકી મરુભૂમિ પીપળીધામ પધારો, સંત સવાભગતના ભજનનું સત આજે ય જીવે છે ને હજારો ભૂખ્યા અહીં ભજન-ભોજન બધું ય મેળવે છે. કમિજળા ભાણ સાહેબની સમાધિ પર પધારો, આઠે પ્રહર ધર્મ-કર્મ-સેવા ને ભજન-ભોજન ચાલે છે. વનથળ નિવાસી બ્રહ્મલીન પુરુષોત્તમલાલજી મહારાજની પાવની નિશ્રામાં ચાર-ચાર આશ્રમોમાં નિત્ય ભજન-ભોજન ને ગૌસેવા-માનવસેવા થાય છે.
આ તો આંગળીના વેઢે ગણાય એટલી વાત કરી. બાકી આ ગુજરાતની છાતીમાં હજારો સંતોના ચરણ પડ્યા છે. ને એ ચરણે ચાલીને માનવસેવા કરનારા કરોડો લોકો આજે ય મોજૂદ છે.
આવી ઉજળી પરંપરા છોડીને એક વિદેશી સંતની વરસી મનાવવા હાલી નીકળ્યા છો ? એ પણ સાવ આવી કઢંગી રીતે ??? બી માય વેલેન્ટાઈન…. વ્હોટ અ રબ્બીશ… એક્ઝેટલી આ જ શબ્દો રસ્તે રઝડતો કોઈ રોમિયો તમારી સગી બહેન કે ભાભીને કહી જાય તો ???
કેમ ભઈ !? આઘાત લાગે છે ? દુઃખ થયું ? લોહી ઉકળ્યું ? તો ઉકળવું જ જોઈએ, વાજબી છે. પણ ત્યારે… જ્યારે તમે કોઈની બહેન-દીકરી કે ભાભીનો પીછો કરતા હોવ ત્યારે….
ગયા વર્ષની એક મોટી ઘટના તો યાદ જ નહીં હોય તમને ? સમાચાર સાંભળીને આ લખનારે લેપટોપનો ઘા કરેલો ને આંખો ભીંજાઈ ‘તી આખા દેશની. સર્જીકલ સ્ટ્રાઈકના વળતા જવાબ રૂપે મક્કાર-કાયર-હલકટ પાકિસ્તાને પોતાના સૂવરો મોકલીને ગ્રેનેડ હૂમલો કરાવ્યો. જેના પરિણામે પુલવામામાં એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. અને સ્થળાંતર કરી રહેલી આપણી અર્ધસૈન્યદળની ટૂકડીના ૪૪ જવાનો શહીદ થયા. એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને આ ૧૪ તારીખે એક વર્ષ પૂર્ણ થાય છે. હજુ સુધી આંખ સામેથી એ દૃશ્યો હટતા નથી. એ ધડાકો, એ આંચકો, એ સન્નાટો, એ બોટી-બોટી ટૂકડામાં વિખરાયેલા પડેલા મા ભારતીના ૪૪ વીર સંતાનો… કશું જ નજર સામેથી ખસતું નથી. હૃદય પર એવડો કડાકો થયેલો જાણે કોઈએ પ્રાણ હરી લીધા ન હોય ! એર-સ્ટ્રાઈકથી હૃદય થોડું આશ્વસ્ત થયું, પણ… ૪૪ વીરોના અસ્થિઓને હજુ ય ટાઢક ન વળ્યાંનો ભાવ રહી-રહીને જાગ્યા કરે છે. ને હજુ આંખ મોતીના તોરણ ટાંક્યા કરે છે. હજુય કેટલીય પથારીઓ રાત-રાતભર જાગ્યા કરે છે. દેશ હજુ ય રહી-રહીને હીબકાં ભરી રહ્યો છે. આંખમાં ભરેલા એ દૃશ્યો હજુ ય અસ્તિત્વને હચમચાવી મૂકે છે.
ત્યારે, હજુ ય જો ૧૪ ફેબ્રુઆરી તમારે માટે વેલેન્ટાઈન ડે હોય તો ફાટી મરો, તમે ભારતીય કહેવાને લાયક નથી. આ દેશની ધરતી તમારી પાસે કશી અપેક્ષા નહીં રાખે ગદ્દાર-ગુલામો ! તમે અંગ્રેજી અને અંગ્રેજીયતને ગુલામ રહેવા જ જન્મ્યા છો. હજુ ય એ ગુલામીની પરંપરામાંથી બહાર નથી આવવું તો પોતાને ભારતીય ન કહેતા. હજુ ય જો તમે આ દેશની બલિદાની પરંપરાને ઓળખતા નથી, વંદન નથી કરતા તો તમે દેશદ્રોહી, ગદ્દાર અને મક્કાર છો.
આક્રોશ બિલકુલ વાજબી છે ને એ કાયમ રહેશે જ… તમામ સવાલો આવકાર્ય.
તો બોલો, શું સ્વીકારો છો ?
૧૪ ફેબ્રુઆરી : વેલેન્ટાઈન કે બલિદાન દિવસ ?
જો આ લેખ વાંચ્યા પછી આંખ ખૂલે તો આ ૧૪ ફેબ્રુઆરી શોક મનાવજો, બલિદાન દિવસ મનાવજો. શહીદોની યાદમાં સફેદ કે કાળા વસ્ત્ર પહેરી બે મિનિટ મૌન રાખજો, તિરંગાને સ્લામી આપી વંદે માતરમ્ ને જન-ગણ-મન ગાજો, પૂરા દિલથી ભારતમાતાની જય બોલજો. કોઈ સૈનિકના ચરણસ્પર્શ કરજો. ને શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના-પુણ્ય-દાન કરજો. ભારતીય હોવાનો આ જ મોટો પુરાવો છે. આ જ ભારતમાતાના ઋણ ચૂકવવાનો અવસર છે. પ્રભુ શ્રી રામે લક્ષ્મણના સવાલનો જવાબ આપતા કહેલું :
अपि स्वर्णमयि लंका न मे लक्ष्मण रोचते ।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।।
ઈશ્વર સહુને સન્મતિ આપે, ઈશ્વર સહુને ભારતમાતા પ્રત્યે પ્રેમભાવ અર્પણ કરે.
-આપનો જ
સી.એમ.સરકાર
+૯૧૯૫૫૮૫૧૧૧૪૩
+૯૧૯૫૭૪૭૧૧૧૪૩